રાજકોટ:  ગુજરાત હાઈકોર્ટ દ્વારા રાજ્‍ય સરકારને આપવામાં આવેલા આદેશ અન્‍વયે  ગૃહવિભાગના નિર્દેશથી ગઈકાલ 8 સપ્ટેમ્બરથી રાજકોટ શહેરમાં હેલ્‍મેટ ફરજિયાત કરવામાં આવ્યું હતું. 8 સપ્ટેમ્બરના રોજ રાજકોટ પોલીસે કડક અમલવારી શરુ કરાવી હતી. જેમાં પોલીસ અને વાહન ચાલકો વચ્‍ચે માથાકૂટ અને ઘર્ષણ જોવા મળ્યું હતું. હેલ્મેટ પહેરવાને લઈ લોકોમાં પણ  પ્રચંડ રોષ હતો. જેને ધ્યાનમાં રાખી રાજ્ય સરકારે આખરે કુણું વલણ અપનાવવાનો નિર્ણય લીધો છે.  રાજકોટ શહેરમાં હેલ્મેટ કાયદાની કડક અમલવારી હવે નહી થાય.   રાજકોટના ધારાસભ્‍યો ઉદય કાનગડ, ધારાભ્ય રમેશભાઈ ટીલાળા  અને ડો.દર્શિતાબેન શાહ  ગૃહમંત્રી  હર્ષ સંઘવીને મળ્યા અને આ બાબતે તેમને રજૂઆત કરી હતી. 

Continues below advertisement


રાજકોટના ધારાસભ્યોની રજૂઆત જેના અનુસંધાને વાહન ચાલકોને રાહત આપતો નિર્ણય લેવામાં આવ્‍યો હતો. પોલીસ દંડ કે કોઈ કાર્યવાહી નહી કરે પણ હેલ્‍મેટના ફાયદા અંગે લોકજાગૃતિ ફેલાવશે. ફરજિયાત હેલ્‍મેટ પહેરાવવાના આકરા પોલીસ પગલા અને દંડ ઝીંકવા માટે સેંકડો પોલીસના ધાડા ઉતારી દેવાતા રાજકોટ પ્રજામાં જોરદાર આક્રોશ હતો. જે લોકો હેલ્મેટ પહેરીને નિકળે છે પોલીસ તેમને ફૂલ આપી તેમનું સન્માન કરે છે. 


ધારાસભ્ય ઉદય કાનગડે જણાવ્‍યું હતું કે ગૃહ મંત્રી હર્ષભાઇ સાથેની વાતચીતમાં અને હેલ્‍મેટ પહેરાવવા માટે આકરા દંડ અને ભારે કડકાઇ દાખવવામાં આવે છે તેને બદલે પ્રજામાં, ટુ વ્‍હીલર વાહન ચાલકોમાં જાગૃતિ,અવેરનેસ આવે તેવી ઝુંબેશ શરૂ કરવા અને જેમણે હેલ્‍મેટ પહેરી હોય તેમને ફૂલ આપી સ્‍વાગત કરવા પોલીસ તંત્રને સૂચના આપવા માગણી કરી હતી.


કાયદાની દ્રષ્‍ટીએ નહિ, સામાજીક દ્રષ્‍ટી જોઇ અમલ કરો


રાજકોટ પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ હેલ્‍મેટના નિયમનું પાલન કરી હેલ્‍મેટ પહેરનારા રાજકોટવાસીઓનો આભાર વ્‍યક્‍ત કરી જે નથી પહેરતા તેને પણ સલામતિ ખાતર નિયમનું પાલન કરવા અનુરોધ કર્યો હતો. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ જણાવ્‍યું હતું કે અમે એ બધા વાહનચાલકોની પ્રસંશા કરીએ છીએ જે કાયદાને માન આપીને હેલ્‍મેટ પહેરતા થઇ ગયા છે. હેલ્‍મેટના નિયમને કાયદાની દ્રષ્‍ટીએ નહિ, સામાજીક દ્રષ્‍ટી જોઇને તેનો અમલ કરો. જે તમારા અને તમારા પરિવારની સલામતિ માટે જરૂરી છે. 


વાહનચાલકોમાં ભારે રોષ


રાજકોટ શહેરમાં વાહનચાલકો માટે હેલ્મેટ ફરજિયાત કરવામાં આવતા શહેરીજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ટ્રાફિક પોલીસે કડક કાર્યવાહી  શરૂ કરતા અનેક વિસ્તારોમાં લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણના બનાવો સામે આવ્યા છે. વાહનચાલકો અને પોલીસ દ્વારા ઘર્ષણ થઈ રહ્યું છે.  વાહનચાલકો સતત હેલ્મેટનો વિરોધ કરી રહ્યા છે. લોકોનું કહેવું છે કે શહેરમાં હેલ્મેટ ફરજિયાત ન હોવું જોઈએ. હાઈવે પર હેલ્મેટ પહેરવું જોઈએ.