રાજકોટઃ છેલ્લા કેટલાક દિવસોથી ગીરના રાજા સિંહે રાજકોટના ગ્રામ્ય પંથકમાં ધામા નાંખ્યા છે. ત્યારે જેતપુર પંથકમાં સિંહની પંજવાણી કરતા વીડિયો સામે આવ્યા છે. કેટલાક વીડિયોમાં લોકો કુતૂહલવશ સિંહોને રંજાડતા હોય એવા વિડિયો સામે આવ્યા છે. આ વીડિયો જેતપુરના આરબ ટીંબડી ગામનો છે.



જેતપુર પંથકમાં છેલ્લા ઘણા સમયથી સિંહોના આંટાફેરા વધી ગયા છે. ત્યારે લોકો સિંહને જોવા તેની પાછળ પાછળ ફરી રહ્યા છે. તેમજ કેટલાક યુવકો સિંહ સાથે ફોટા પડાવવાની લ્હાયમાં પણ પાછળ પાછળ ફરી રહ્યા છે.



એક વીડિયોમાં જોઇ શકાય છે કે, લોકોની પજવણીથી કંટાળેલો સિંહ તેની સામે ત્રાડ નાંખે છે. તેમજ એક વીડિયોમાં રસ્તા પર એક યુવક સિંહ સાથેનો ફોટો પડાવી રહ્યો છે. વચ્ચે સિંહ છે, તેમજ સામેના છેડે અન્ય લોકો બાઇક પર ઉભા છે. ત્યારે આ પજવણીથી કંટાળેલો સિંહ બાઇક પાછળ દોડે છે.