Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણીમાં રાજકોટ બેઠક પરથી ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિયો સમાજનો આક્રોશ ઓછો થવાનું નામ લઇ રહ્યો નથી. રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજની મહિલાઓએ નવી રણનીતિ અપનાવી હતી. રાજપૂત સમાજની સંકલન સમિતિના મહિલા અધ્યક્ષે જાહેરાત કરી હતી કે રાજકોટમાં ક્ષત્રિય સમાજની 100 મહિલાઓ ઉમેદવારી નોંધાવશે. રાજકોટ લોકસભા બેઠક પરથી એક સાથે 100 ક્ષત્રિયાણીઓ લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવશે. રાજપૂત સમાજની સંકલન સમિતિના મહિલા અધ્યક્ષ તૃપ્તિબા રાઓલે જાહેરાત કરી હતી.


‘પાંચ લાખ રાજપૂતો ભેગા કરીશું’


સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના ક્ષત્રિય સમાજમાં રૂપાલા સામે આક્રોશ યથાવત છે. પી.ટી.જાડેજાએ કહ્યું હતું કે ભાજપને 400 નહીં, 440 સીટ અપાવીશું પણ રૂપાલાને હટાવો. તેમણે ચીમકી ઉચ્ચારી હતી કે જો તેમને હટાવવામાં નહીં આવે તો પાંચ લાખ રાજપૂતો ભેગા કરીશું.


રાજવી પરિવારોનો હૂંકાર


ભાજપ નેતા પરશોત્તમ રૂપાલાના ક્ષત્રિયો મહિલાઓના વિરૂદ્ધમાં કરવામાં આવેલી ટિપ્પણી બાદ વિરોધ શાંત નથી થઇ રહ્યો, રાજ્યમાં ઠેર ઠેર ક્ષત્રિયો મેદાનમાં ઉતર્યા છે, રાજકોટ, સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ક્ષત્રિય સંગઠન મેદાનમાં આવ્યા છે, અને પરશોત્તમ રૂપાલાની ટિકીટ પાછી ખેંચવાની ભાજપ પાસે માંગ કરી રહ્યાં છે. હવે આ કડીમાં વધુ બે રાજવી પરિવારો જોડાયા છે, ભાવનગર અને વઢવાણ રાજવી પરિવારે પણ પરશોત્તમ રૂપાલાની ટિપ્પણીનો વિરોધ કર્યો છે, અને ચૂંટણીમાં મતદાન થાય ત્યાં સુધી લડી લેવાનો સંકલ્પ કર્યો છે.


રૂપાલાના વિરોધમાં સૌરાષ્ટ્રના રાજવી પરિવારો પણ મેદાનમાં આવ્યા છે, ભાવનગર અને વઢવાણના રાજવી પરિવારોએ રૂપાલાના નિવેદનનો ખુલ્લો વિરોધ દર્શાવ્યો છે અને સમાજ વિરૂદ્ધ આવી ટિપ્પણી ના ચલાવી લેવાયનું કહ્યું છે, તેમને હવે આ લડતને આગળ લડવાનો પણ સંકલ્પ કર્યો છે. 


વઢવાણ અને ભાવનગર રાજવી પરિવારે શું કહ્યું -
રાજકોટ બેઠક પરના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાનો વિરોધ ક્ષત્રિય સમાજ કરી રહ્યો છે, રૂપાલાના નિવેદન પર હવે વઢવાણ રાજવી પરિવાર આક્રોશિત થયો છે. રાજવી પરિવારના સુધીરસિંહ ઝાલાએ આ સમગ્ર ઘટના પર આક્રોશ વ્યક્ત કર્યો છે. રૂપાલાની ટિકિટ રદ્દ ના થાય ત્યાં સુધી લડી લેવાનો સંકલ્પ કર્યો છે. સુધીરસિંહ ઝાલાએ આ વિરોધને યોગ્ય ગણાવ્યો છે. તેમને કહ્યું કે, આવા નિવેદનો કોઈપણ સંજોગોમાં ના ચલાવી લેવાય. મતદાન સુધી આ લડત ચાલુ રાખવા હૂંકાર કર્યો છે.


વઢવાણ રાજવી પરિવાર ઉપરાંત ભાવનગર રાજવી પરિવારે પણ વિરોધમાં સૂર પૂરાવ્યો છે, તેમને પણ રૂપાલાના ક્ષત્રિય મહિલાઓ વિરૂદ્ધના નિવેદનોનો વિરોધ કર્યો છે, આજે પરશોત્તમ રૂપાલાને લઈને ભાવનગરના યુવરાજનું મોટું નિવેદન સામે આવ્યું છે. ભાવનગર યુવરાજ જયવીરરાજસિંહે કહ્યું કે, હું મારા સમાજ સાથે જ છું, આ નિવેદનથી વિરોધ થવાનો જ છે. આગેવાનો માટે સમાજ પછી પક્ષ હોવો જોઇએ. યુદ્ધભુમિમાં રાજપૂતો-મહારાજાઓએ બલિદાન આપ્યા છે. 


ઉપલેટામાં લાગ્યા બેનર


બીજી તરફ રાજકોટના ઉપલેટામાં પરસોત્તમ રૂપાલા, જયરાજસિંહ જાડેજાના વિરોધમાં બેનર લાગ્યું હતું. ઉપલેટામાં પરસોત્તમ રૂપાલા, જયરાજસિંહ જાડેજા વિરુદ્ધમાં બેનર લાગ્યું હતું. રૂપાલા, જયરાજસિંહના ફોટા પર ચોકડી સાથેના  બેનર લાગ્યા હતા.


શહેરના જાહેર ચોકમાં પરસોતમ રૂપાલા અને જયરાજસિંહ જાડેજાના ફોટા પર લાલ ક્રોસ કરેલા ફોટા સાથે બેનરો લગાવાયા હતા. બેનરની અંદર "સમાજની વાત - પૂર્વજોનું અપમાન છત્રીયાળીનું અપમાન - સમાજને પડકાર કોઈપણ ચલાવી નહીં લેવાય" સ્લોગન સાથેના બેનર લાગ્યા હતા.


ઉપલેટામાં પરસોતમ રૂપાલા સાથે લેવાદેવા ન હોવા છતાં પણ ઉપલેટામાં બેનરો લાગતા ચકચાર મચી ગઇ હતી. નોંધનીય છે કે ઘણા દિવસોથી પરસોતમ રૂપાલાનો ક્ષત્રિય સમાજને લઇને વિવાદ ચાલી રહ્યો છે. ગત દિવસે ગોંડલમાં બેઠક યોજાઈ હતી ત્યારબાદ પરસોતમ રૂપાલા ઉપલેટાના ગાયત્રી આશ્રમ ગધેથડ ખાતે પહોંચ્યા હતા.