Lok Sabha Election: ગુજરાતમાં કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાને લઇને ઠેર ઠેર વિરોધ પ્રદર્શનો થઇ રહ્યાં છે, પરશોત્તમ રૂપાલાની ક્ષત્રિય મહિલાઓ વિશેની ટિપ્પણીને લઇને ગુજરાતમાં સમગ્ર ક્ષત્રિય સમાજ વિરોધ કરી રહ્યો છે, ત્યારે રાજકોટમાં કાઠી ક્ષત્રિય સમાજની મહિલા પરશોત્તમ રૂપાલાના સપોર્ટમાં આવી છે, તેમને તરફેણ કરતાં કહ્યું કે, પરશોત્તમ રૂપાલા સારા માણસ છે, ચૂંટણી લડાવવી જોઇએ. હાલમાં જ કાઠી ક્ષત્રિય મહિલા ગીતાબેન ગીડાએ પરશોત્તમ રૂપાલા સાથે મુલાકાત કરી હતી.
ગુજરાતમાં સમગ્ર ક્ષત્રિય સમાજ રાજકોટના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા વિરૂદ્ધ મેદાનમાં ઉતર્યો છે, રાજકોટ, કચ્છ, સાબરકાંઠા, બનાસકાંઠા બાદ હવે સુરતમાંથી પણ પરશોત્તમ રૂપાલાની ટિકીટ પાછી ખેંચવાની માંગ ઉઠી છે. સુરતમાં પરશોત્તમ રૂપાલા વિરૂદ્ધ નવુ પૉસ્ટર વૉર શરૂ થયું છે, જેમાં લખવામા આવ્યુ છે કે, કમલ કા ફૂલ હમારી ભૂલ. શહેરમાં કરણી સેના, રાજપૂત ક્ષત્રિય સમાજ, મહાકાલ સેના સહિતના સંગઠનો પરશોત્તમ રૂપાલાનો પુરજોશમાં વિરોધ કરી રહ્યાં છે, હાલમાં 'કમલ કા ફૂલ હમારી ભૂલ'ના પૉસ્ટર સાથે વિરોધ શરૂ થયો છે.
પરશોત્તમ રૂપાલાની ટિકીટ પાછી ખેંચવાની માંગ સાથે ક્ષત્રિય સમાજ અડી પડ્યો છે, સૌરાષ્ટ્ર-કચ્છ, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ક્ષત્રિયો મેદાનમાં ઉતર્યા છે અને પરશોત્તમ રૂપાલાની ટિકીટ પાછી ખેંચવાની ભાજપ પાસે માંગ કરી રહ્યાં છે, ત્યારે રાજકોટમાં કાઠી ક્ષત્રિય સમાજની મહિલાની રૂપાલા સાથે ખાસ મુલાકાતે બધાનું ધ્યાન ખેંચ્યુ છે. આજે કાઠી ક્ષત્રિય મહિલા ગીતાબેન ગીડાએ રૂપાલા સાથે મુલાકાત કરી હતી, મુલાકાત બાદ તેમને રૂપાલાની તરફેણ કરી અને કહ્યું કે, રૂપાલાને ચૂંટણી લડાવવી જોઇએ. ગીતાબેને કહ્યું કે, પરશોત્તમ રૂપાલા સારા માણસ અને સાહિત્ય પ્રેમી છે. ક્ષત્રિય સમાજે રૂપાલાને માફ કરવા જોઇએ.
રૂપાલા વિવાદ મુદ્દે ક્ષત્રિય સમાજનું ભાજપને અલ્ટીમેટમ, 6-7 એપ્રિલે મહાસંમેલન સાથે થશે મહાયુદ્ધ
ગુજરાતમાં રૂપાલા સામેનો ક્ષત્રિયોનો વિરોધ શાંત પડવાને બદલે સતત વધી રહ્યો છે. રાજકોટ બેઠકના લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની મહિલા માટે કરેલા વિવાદિત નિવેદનથી સમગ્ર સમાજમાં રોષ છે. વિવાદ અને વિરોધનો વંટોળ થંભવાનું નામ નથી લેતો. આ તમામ વિવાદ વચ્ચે ભાજપે ડેમેજ કંટ્રોલ કરવા માટે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાને મેદાને ઉતાર્યા હતા. તેઓ ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક કરીને મામલે સમાધાન લાવવાનો પ્રયાસ કર્યો હતો, અને મુદ્દે જ ગોંડલના શેમળામાં એક બેઠક યોજાઇ હતી. ક્ષત્રિય સમાજના આગેવાનો અને ભાજપના પૂર્વ ઘારાસભ્ય અને લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા આ બેઠકમાં ઉપસ્થિત હતા અને જયરાજસિંહ જાડેજા આ મામલાને થાળે પાડવાની કોશિશ કરી હતી. જો કે જયરાજસિંહની આ કોશિશ સામે ક્ષત્રિય સમાજ નારાજ થયો હતો, અને આગળ લડત આપવાનું ચાલુ રાખ્યુ છે.
રાજકોટના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજ ફરી એકવાર આક્રોશમા આવ્યું છે, અને હવે મહાસંમેલન બોલાવવાનું નક્કી કર્યુ છે. આજે ક્ષત્રિય સમાજના આગેવાન પીટી જાડેજાએ પરસોત્તમ રૂપાલા મામલે ભાજપને અલ્ટીમેટમ આપ્યુ છે, ક્ષત્રિય સમાજનું મહાસંમેલન બોલાવવાની પી.ટી.જાડેજાની જાહેરાત કરી છે. તેમને કહ્યું કે, આ અઠવાડિયાના અંતમાં ક્ષત્રિય સમાજનું મહાસંમેલન બોલાવવામાં આવશે, ભાજપના વિરોધી નથી, રૂપાલાનો વિરોધ છે.
ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાએ આક્રોશ વ્યક્ત કરતાં જણાવ્યું કે, આગામી 6 કે 7 એપ્રિલે ગુજરાતમાં મહાયુદ્ધ થશે. મહાસંમેલનમાં પાંચ લાખ ક્ષત્રિયો થશે એકઠા થશે. 90 સંસ્થાઓની આજે ફરીથી બેઠક મળશે. અમદાવાદમાં ક્ષત્રિય સમાજની 90 સંસ્થાઓ સાથે બેઠક મળશે.