રાજકોટઃ ગુજરાતમાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે અને અનેક લોકોએ કોરોનામાં જીવ પણ ગુમાવ્યા છે. ત્યારે હવે કોરોના પછી મ્યુકોરમાઇકોસિસે પણ કહેર મચાવ્યો છે. રાજકોતમાં મ્યુકોરમાઇકોસિસના 300 કરતા વધુ કેસ છે. કોરોનાની સાથે દર્દીને આ રોગ આવતા દર્દીને જોખમ ખૂબ જ વધી જાય છે અને બચવાની શકયતાઓ ખૂબ જ ઓછી છે. છેલ્લા 15 દિવસથી આ રોગે અનેક લોકોનો ભોગ લીધો છે.


આ રોગના રોકવા માટે મુખ્ય ઇન્જેકશન જ રાજકોટમાં ક્યાંય ન હોવાના અહેવાલ સામે આવ્યા હતા. છેલ્લા ત્રણ દિવસથી ઇન્જેશન ન હોવાથી દર્દીના સગા ઠેરઠેર ધક્કા ખાઈ રહ્યા હોવાના અહેવાલો પણ સામે આવ્યા હતા. જોકે, આ ઇન્જેક્શનને લઈને રાજકોટ સિવિલ હોસ્પિટલના સુપ્રીન્ટેન્ડન્ટ રાધેશ્યામ ત્રિવેદીએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, મ્યુકરમાઇકોસિસના ઇન્જેક્શન અમદાવાદથી રાજકોટ મોકલવામાં આવ્યા છે. સિવિલ હોસ્પિટલમાં પૂરતા પ્રમાણમાં ઇન્જેક્શન અને દવાનો જથ્થો ઉપલબ્ધ  છે. નોંધનીય છે કે, એન્ફોટેરિસીન-બી 50, લીપોસોમાલ એન્ફોટેરિસીન 50 મિલિગ્રામ ઇન્જેશન દ્વારા મ્યુકરમાઇકોસિસની સારવાર કરવામાં આવે છે. 


રાધેશ્યામ ત્રિવેદીએ નિવેદન આપ્યું હતું કે, મ્યુકરમાયકોસીસના કેસમાં વધારો થયો છે. સિવિલ હોસ્પિટલમાં અલાયદો 30 બેડનો વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે. કોરોના પોઝિટિવ દર્દીને પણ અસર થાય તો તેની પણ સારવાર કરવામાં આવશે.


રાજકોટ સિવિલમાં કોરોનાથી પણ ખતરનાક મ્યુકોરમાઇકોસીસ માટે આજથી અલગ વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે. મનોચિકિત્સક વોર્ડમાં 30 બેડની સુવિધા ઉભી કરાઈ છે. કોરોનાથી સાજા થયેલા 250 દર્દીઓ પર નજર રાખવામાં આવી રહી છે. સિવિલમાં છેલ્લા એક સપ્તાહથી કોરોનાના દર્દીઓના સાજા થયા બાદ આ ગંભીર બીમારી જોવા મળી છે.


વડોદરામાં મ્યુકોરમાઈકોસિસના 50 દિવસમા 100 કેસ નોંધાયા છે. મ્યુકોરમાઈકોસિસના કારણે 20ના મોત થયા છે. સ્ટિરોઈડનો વધુ પડતો ઉપયોગ અને ડાયાબિટીસનાના દર્દીઓ માટે વધુ જોખમી સાબિત થાય છે મ્યુકોરમાઈકોસિસ.કોરોનાના પ્રથમ વેવમાં કોરોના થયા બાદ દોઢથી બે મહિને લક્ષણ દર્દીઓને  દેખાતા હતા. બીજા વેવમાં 15 થી 30 દિવસમાં લક્ષણો દેખાય છે.