રાજકોટઃ રાજકોટના ખંઢેરી નજીક નિર્માણ થનારી એઈમ્સનું આજે પીએમ મોદી વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત કર્યુ હતું. ખાતમુહૂર્ત સમયે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સ્થળ પર હાજર રહ્યા હતા. પ્રધાનમંત્રી મોદીએ ખાતમુહૂર્ત બાદ પ્રાસંગિક પ્રવચન કર્યુ હતું.

એઇમ્સને લઇ શું કહ્યું પીએમ મોદીએ

આઝાદીના આટલા વર્ષો બાદ પણ માત્ર 6 એઇમ્સ બની શક્યા હતા. 2003મા અટલજીની સરકારે 6 નવા એઇમ્સ બનાવવા પગલાં લીધા. જેને બનાવતાં બનાવતાં 2012 આવી ગયું, એટલે કે 9 વર્ષ થઈ ગયા. છેલ્લા 6 વર્ષમાં 10 નવા એઇમ્સ બનાવવા પર કામ થઈ ચુક્યું છે. એઇમ્સની સાથે દેશમાં 20 એઇમ્સ જેવી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ્સ પર પણ કામ કરવામાં આવી રહ્યું છે.

ગુજરાતનું હેલ્થ સેક્ટર મજબૂત થશે

મોદીએ કહ્યું,  મેડિકલ સેક્ટરમાં ગુજરાતની સફળતા પાછળ બે દાયકાનો અવિરત પ્રયાસ છે. છેલ્લા 6 વર્ષમાં સારવાર અને મેડિકલ એજ્યુકેશને લઈ જે સ્કેલ પર કામ થયું છે તેનો લાભ ગુજરાતને મળી રહ્યો છે. ગુજરાતમાં સંક્રમણને રોકવા અને હવે રસીકરણની તૈયારીઓને લઈ પ્રશંસનીય કામ થયું છે. એઇમ્સ રાજકોટ અને ગુજરાતના હેલ્થ સેક્ટરને મજબૂત કરશે. હવે ગંભીર બીમારી માટે રાજકોટમાં જ આધુનિક સુવિધા ઉપલબ્ધ થશે. સારવાર અને શિક્ષણ ઉપરાંત તેમાં રોજગારીના અનેક અવસર પેદા થશે.



2021માં વેક્સિન

જેમાં તેમણે જણાવ્યું, 2020માં સંક્રમણના કારણે નિરાશા હતી પણ 2021 સારવારની આશા લઈને આવી રહ્યું છે. 2021માં વેકસિન માટે તૈયારીઓ ચાલી રહી છે. અંતિમ તબક્કામાં વેકસિન માટે તૈયારીઓ ચાલુ છે. આખું ભારત એક જૂથ થી આગળ વધશે. એઇમ્સ રાજકોટમાં 5000 રોજગાર ઉભી થશે. મેડિકલ સુવિધા સાથે દરેક રોજગારી અહીંયા ઉભી થશે.

સમયસર લીધા પગલાં

ભારતે સમય પર યોગ્ય પગલા લીધા, જેના પરિણામે આજે આપણે ઘણી સારી સ્થિતિમાં છીએ. જે દેશમાં 130 કરોડથી વધારે વસતી હોય ત્યાં આજે 1 કરોડ લોકો આ બીમીરી સામેનો જંગ જીતી ગયા છે. ચાલુ વર્ષનો અંતિમ દિવસ ભારતના લાખો ડોક્ટર્સ, હેલ્થ વોરિયર્સ, સફાઈ કર્મી, દવાની દુકાનમાં કામ કરતાં તથા બીજા ફ્રન્ટ લાઇન વોરિયર્સને યાદ કરવાનો છે.