રાજકોટ: રાજકોટમાં શ્રી રામેશ્વર શરાફી સહકારી મંડળીના ઉઠમણા કેસમાં વાઈસ ચેરમેન ગોપાલ રૈયાણી તથા મેનેજર વિપુલ વસોયાની પોલીસે ધરપકડ કરી છે. શરાફી મંડળીના કર્તાધર્તાઓ 4 હજારથી વધુ લોકોને કરોડોનો ચૂનો લગાડી ફરાર થઈ ગયા છે. જેને લઈ રોકાણકારોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. 17 થાપણદારોએ 3.11 કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.


રામેશ્વર શરાફી મંડળીના ચેરમેન સંજય દૂધાત્રા વાઈસ ચેરમેન ગોપાલ રૈયાણી અને મેનેજર વિપુલ વસોયા સામે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. આરોપીઓ 4200 રોકાણકારોના 60 કરોડથી વધુ રૂપિયા લઈ ફરાર થયા હતા. જેને લઈ 17 રોકાણકારોએ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તપાસ કરતા વાઈસ ચેરમેન ગોપાલ રૈયાણી તથા મેનેજર વિપુલ વસોયાની ધરપકડ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે મંડળીમાં રાજકોટ, પડધરી, જામજોધપુર, કાલાવડ આસપાસના 4200 રોકાણકારોના આશરે 60 કરોડ પડયા છે. આવતા દિવસોમાં વધુ ફરીયાદો નોંધાઈ તેવી સંભાવના જોવામા આવી રહી છે.