રાજકોટમાં ટ્રાફિક પોલીસના કોન્સ્ટેબલની દાદાગીરી સામે આવી છે.  રાજકોટમાં એક મહિલાએ ટ્રાફિક પોલીસ પાસે આઈકાર્ડ માંગતા કોન્સ્ટેબલ ગુસ્સે થઈ ગયો હતો અને મહિલાની કાર ટો કરાવી હતી.  આ દરમિયાન મહિલા રસ્તા પર રડી પડી હતી. રાજકોટની ગ્રીનલેન્ડ ચોકડી પાસે આ બનાવ બન્યો હતો. 


રાજકોટ ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલના જડ વલણને કારણે ચાર મહિલાઓ ચોધાર આંસુએ રડી પડી હતી.  ચાર મહિલાઓ કારમાં સવાર હતી. જેમને પોલીસે રોકી હતી.  ટ્રાફિક-પોલીસ દ્વારા વાહન ચેકિંગ ચાલુ હોવાથી તેમની કાર રોકવામાં આવી હતી અને પીયુસી, ડ્રાઈવિંગ લાઇસન્સ વગેરે દસ્તાવેજો માગવામાં આવ્યા હતા. પરંતુ મહિલાઓએ પોલીસ પાસે આઈ-કાર્ડ માંગ્યુ હતું. જેથી ટ્રાફિક બ્રાન્ચના કોન્સ્ટેબલ હસમુખ રાઠોડનો અહમ ઘવાયો હતો. જેથી ગુસ્સે ભરાયેલા કોન્સ્ટેબલ હસમુખ રાઠોડે મહિલાઓની કાર ટો કરાવી હતી. 


પોલીસના આ બિન વ્યવહારૂ વલણનો ટોળાએ વિરોધ કરી હુરિયો બોલાવ્યો હતો. પોલીસ લાકડી લઈ પાછળ દોડતા સ્થાનિક લોકોએ મોબાઈલમાં વિડીયો ઉતારી લીધા હતા.  આ વીડિયો સોશ્યલ મીડિયામાં જોતજોતામાં વાયરલ થયા છે.  જોકે નવાઈની વાત એ હતી કે દંડ ઉઘરાવતા કોન્સ્ટેબલ હસમુખ રાઠોડના બાઇકમાં નંબર પ્લેટ પણ નહોતી.  રાજકોટના ઝોન-1 ના ડીસીપી પ્રવીણકુમાર મીણાએ જણાવ્યુ કે, ટ્રાફિક પોલીસના વાયરલ વીડિયો મામલે તપાસ કરવામાં આવશે. સમગ્ર મામલે પોલીસ કોન્સ્ટેબલ સામે ઈન્કવાયરી બેસાડવામાં આવશે. પોલીસ કોન્સ્ટેબલ સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે. 


19મી ડિસેમ્બરે યોજાશે 10,879 ગ્રામ પંચાયતોની ચૂંટણી, આજથી આચારસંહિતા લાગુ


ગુજરાતમાં આગામી 19મી ડિસેમ્બરે 10,879 ગ્રામ પંચાયતો ચૂંટણી યોજાશે. ગ્રામ પંચાયતોની ચૂંટણી માટેનું નોટિફિકેશન 29મી નવેમ્બરે જાહેર થશે. મતદાન 19 ડિસેમ્બર રવિવારે મતદાન યોજાશે. મત ગણતરી 21 ડિસેમ્બરના રોજ થશે. આજે આદર્શ ચૂંટણી આચારસંહિતા લાગુ પડશે. 



સવારના 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મતદારો પોલીંગ બૂથ પર જઈને મતદાન કરી શકશે.  બેલેટ પેપરથી મતદાન થશે. પુનઃ મતદાનની તારીખ (જરૂર જણાય તો) 20 ડિસેમ્બર છે. ચૂંટણી પ્રક્રિયા પૂરી થવાની તારીખ 24મી ડિસેમ્બર છે. ગ્રામ પંચાયત માટેની ચૂંટણીમાં ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 4 ડિસેમ્બર છે. ઉમેદવારી પત્રની ચકાસણી 6 ડિસેમ્બરે થશે. તેમજ ઉમેદવારી પત્ર પાછી ખેંચવાની છેલ્લી તારીખ 7 ડિસેમ્બર છે. 



આ 10,879 અંદાજિત ગ્રામ પંચાયતોમાં 10,284 સરપંચની ચૂંટણી તેમજ અંદાજિત 89702 વોર્ડોમાં સભ્યોની ચૂંટણી યોજાશે. સાથે સાથ આ સિવાયની જે ગ્રામ પંચાયતોની મુદત 31 માર્ચ 2022 પછી પૂરી થાય છે તેવી અને જેની મુદત પૂરી થવામાં એક વર્ષ કરતા વધુ સમય બાકી હોય તેમાં પ્રસંગોપાત ખાલી પડેલ બેઠકોની પેટાચૂંટણી પણ યોજાશે.