Raghav Chadha Gujarat Visit: આમ આદમી પાર્ટીના સહ પ્રભારી રાઘવ ચઢ્ઢા આજે રાજકોટ આવી પહોંચ્યા હતાં. આજે તેમને નીલ સીટી ક્લબ ખાતે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સૌરાષ્ટ્ર પ્રવાસ સમયે અમારા નેતાઓને નજર કેદ કરવામાં આવ્યા છે. જામનગર નોર્થ સિટના ઉમેદવારને ઘરમાં જ નજર કેદ કર્યા છે. ભારતમાં ગુજરાત ડ્રગ્સનું એન્ટ્રી પોઇન્ટ બન્યું છે. પાટીદાર આંદોલનનો બદલો લેવા શું ભાજપ આમ આદમી પાર્ટીના પાટીદાર નેતા ગોપાલ ઇટાલીયાને નિશાન બનાવે છે.




 


ગુજરાત સરકાર આમ આદમી પાર્ટીના તમામ નેતાઓના ફોન રેકોર્ડ કરે છે. અરવિંદ કેજરીવાલે પોતાનો જન્મ જન્માષ્ટમીના થયો હોવાનું નિવેદન આપ્યું હતું, તો ભાજપ આજે કેલેન્ડર લઈને બેસી ગઈ અને કહે છે કે કેજરીવાલનો જન્મ 16 તારીખે થયો હતો અને જન્માષ્ટમી 15 તારીખે હતી 10 જાન્યુઆરી, 2015ના દિલ્હીના રામલીલા મેદાનમાં પ્રધાનમંત્રીએ અર્બન નક્સલવાદી કહીને સંબોધ્યા હતા, અને દિલ્હીના લોકોએ આમ આદમી પાર્ટીને જંગી બહુમતીથી જીતાડયા હતા.


કોંગ્રેસ હવે ઘરડી થઈ ગઈ છે. કોંગ્રેસને હવે ICUમાં સારવાર દેવાની જરૂર છે. રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કાઢે છે. નિકમ્મી કોંગ્રેસને ભારતની રાજનીતિની ખબર જ નથી પડતી. ગુજરાતમાં 27 વર્ષમાં કોંગ્રેસ ભાજપને હરાવી શકી નથી. રાઘવ ચઢ્ઢાએ કોંગ્રેસને નિકમ્મી કહીને સંબોધી હતી. જેને લઈને રાજકારણ ગરમાયું છે.


ઇટાલિયા પાટીદાર હોવાના કારણે ભાજપ હેરાન કરતું હોવાનો આરોપ



AAPના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાના વીડિયોને લઇને રાજનીતિ ગરમાઇ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ અપમાનજનક શબ્દો વાપરવા મામલે ભાજપે ગોપાલ ઇટાલિયા પર નિશાન સાધ્યું હતું. અમીત માલવિયાએ ઇટાલિયાનો વીડિયો ટ્વિટ કરી કહ્યું હતું કે ઇટાલિયા કેજરીવાલના સ્તરે ઉતર્યા છે. તેમણે PMનુ નહીં, પણ તમામ ગુજરાતીઓનું અપમાન કર્યુ છે.


બીજી તરફ ગોપાલ ઈટાલીયા સામે રાષ્ટ્રીય મહિલા આયોગે કાર્યવાહી કરી છે. પ્રધાનમંત્રી અંગે આપત્તિજનક ભાષાના ઉપયોગ બદલ ગોપાલ ઇટાલિયાને નોટિસ મોકલવામાં આવી છે.  ગોપાલ ઇટાલિયાને 13 ઓક્ટોબર ગુરુવારના દિવસે બપોરે સાડા બાર વાગ્યે કમિશન સામે હાજર થવાનો આદેશ આપવામાં આવ્યો છે. વાયરલ વીડિયો મુદ્દે આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ પલટવાર કર્યો છે. પાટીદાર હોવાને કારણે ભાજપ હેરાન કરતી હોવાનો ગોપાલ ઈટાલિયાએ આરોપ લગાવ્યો છે. સાથે જ કહ્યું કે મુદ્દાઓ ભટકાવવાનો ભાજપ પ્રયાસ કરી રહી છે. પાટીદાર હોવાને કારણે રાષ્ટ્રીય કક્ષાએ ષડયંત્ર રચાયાનો ઈટાલિયાએ આરોપ લગાવ્યો હતો.


ગોપાલ ઇટાલિયાના વાયરલ વીડિયો મુદ્દે આપ સાંસદ રાઘવ ચઢ્ઢાએ નિવેદન આપ્યું છે. રાઘવે કહ્યું કે ભાજપ જૂના વીડિયો બહાર લાવી રાજકારણ કરી રહી છે. ગોપાલ ઇટાલિયા બેરોજગારી, શિક્ષણ સહિતના મુદ્દાઓ ઉઠાવે છે. ખરેખર ગોપાલ ઇટાલિયા દોષિત હોય તો તેને સજા આપો. ભાજપ ગોપાલ ઇટાલિયાને ટાર્ગેટ એટલે કરે છે કારણ કે તે પાટીદાર છે. ભાજપ પાટીદાર સમાજને ટાર્ગેટ કરવા માંગે છે. ભાજપ જૂના વીડિયો બહાર લાવી રાજકારણ કરી રહી છે. બે વર્ષ પહેલા પાટીદાર સમજે મોટું આંદોલન કર્યું હતું. ઇસુદાન ગઢવી ગોપાલ ઇટાલિયાના બચાવમાં આવ્યા છે. ઇસુદાન ગઢવીએ કહ્યું કે હાર્દિકના વીડિયો પણ વાયરલ થયા છે. હાર્દિકને કમલમમાં સ્વાગત કરાય છે. ગોપાલના વીડિયોને મુદ્દો બનાવાય છે.