Rajkot News:  રાજકોટના ગોંડલરોડ બ્રિજ નિર્માણ સમયે દુર્ઘટના સર્જાઈ છે. ક્રેઈન નીચે પટકાઈ હતી. જેમાં ઈકો કારમાં નુકશાન થયું છે, જ્યારે કોઈ જાનહાનિ થઈ નથી. પુલ પરથી ક્રેઈન નીચે ખાબકતાં એક કિલોમીટર સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો. વારંવાર ગોંડલ ચોકડી પર ટ્રાફિક જામ થાય છે અને છેલ્લા પાંચ વર્ષથી બ્રિજનું કામ ચાલી રહ્યું છે. ગોકળ ગતિએ બ્રિજનું કામ ચાલતું હોવાથી લોકો પણ ત્રાહિમામ પોકારી ગયા છે.



રંઘોળા ગામમાં ખેલાયો ખૂની ખેલ, પતિએ ઝઘડા બાદ પત્નીને છરીના ઘા મારી હત્યા કરી


ભાવનગરના ઉમરાળા તાલુકાના રંધોળા ગામમાં પતિએ કરી પત્નીની હત્યા કર્યાનો બનાવ સામે આવ્યો છે. પતિ પત્ની વચ્ચે ઝઘડો થતાં આવેશમાં આવીને પતિએ છરીના ઘા ઝિંકી પત્નીની કરપીણ હત્યા કરી હતી. ગત મોડી રાત્રે બનાવ બન્યો હતો.  જેમાં મોનિકા જૈનની નામની મહિલાની હત્યા કરવામાં આવી. હત્યારો પતિ અનિલ જૈન હત્યા કરીને ભાગી રહ્યો હતો એ દરમિયાન અજાણ્યા વાહન ચાલક સાથે અથડતાં તેમનું પણ અકસ્માત થતા મોત થયું છે. હાલ સમગ્ર બનાવને લઇ ઉમરાળા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


શું ધરતીપુત્રોને નહીં મળે કમોસમી વરસાદથી પાકને થયેલા નુકસાનનું વળતર ?


ખેડૂતો માટે  માઠા સમાચાર છે. રાજ્યમાં પાછલા દિવસોમાં થયેલા કમોસમી વરસાદથી થયેલા નુકસાનનો સર્વે પૂર્ણ થઈ ગયો છે. રાજય સરકારના કૃષિ વિભાગ દ્વારા સર્વેની કામગીરી પૂર્ણ કરીને રિપોર્ટ કૃષિ વિભાગને સોંપવામાં આવ્યો છે. સર્વે રિપોર્ટ પ્રમાણે રાજ્યમાં કમોસમી વરસાદના કારણે પાકને નુકશાની ન પહોંચી હોવાનો રિપોર્ટમાં ઉલ્લેખ છે. રિપોર્ટ પ્રમાણે કમોસમી વરસાદના કારણે નુક્શાની ન હોવાના કારણે વળતર ચુકવણી નહિ થાય. રાજ્યમાં થોડા દિવસ પહેલા 48 કલાક દરમિયાન 14 જિલ્લાના 50 તાલુકાઓમા કમોસમી વરસાદ નોંધાયો હતો. રાજ્યમાં 1મી.મી.થી 28મી.મી. સુધીનો કમોસમી વરસાદ નોંધાયો હતો. જેમાં રવી પાકને નુકસાની થઈ હોવાની શક્યતા પગલે રાજ્યના કૃષિ વિભાગે સર્વે કરવા આદેશ આપ્યો હતો.

અમદાવાદમાં આણંદના એગ્રીકલ્ચર યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સેલર ગાડી સાથે ખાડામાં ખાબક્યા


અમદાવાદ શહેરમાં બારેય મહિના રસ્તા ખોદવાનું કામ ચાલુ હોય છે. જેને લઈને નાગરિકોએ અકસ્માત અને મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. શહેરના CTM વિસ્તારમાં BRTS બસ સ્ટોપ પાસે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડ્રેનેજ બ્લોક થવાથી ઊંડો અને પહોળો ખાડો ખોદીને કામ કરવામા આવી રહ્યું હતું. જેની આસપાસ પતરાની આડસ ઉભી કરવામાં આવી હતી. પરંતુ તેની પર યોગ્ય રીતે રીફલેકટિવ સ્ટીકર કે ભયની સૂચના આપતું બોર્ડ મુકવામાં આવ્યું નહોતું. આથી વહેલી સવારે 05.30 કલાકની આસપાસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે એરપોર્ટથી આણંદ તરફ જતા  આણંદના એગ્રીકલ્ચર યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સેલર અરવિંદ શેખ તથા સંજય લીંબાચીયા ગાડી સાથે ખાડામાં ખાબકયા હતા. અડધો કલાક સુધી ગાડી ખાડામાં ગરકાવ રહી હતી. કાર ખાડામાં ખાબકતા તેની એરબેગ ખુલી ગઈ હતી. જ્યારે કારમાં સવાર બે લોકોને સામાન્ય ઇજા થઇ હતી. દોઢ મહિનાથી ચાલી રહી છે કામગીરી સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે, છેલ્લા દોઢ મહિનાથી આ કામગીરી ચાલી રહી છે. જેનાથી ટ્રાફિક પણ જામ થાય છે. આ ઘટના બાદ કોર્પોરેશને ખાડાને સંપુર્ણ રીતે બેરીકેડથી કવર કર્યો હતો. ખાડામાં પડેલી ગાડીને ક્રેઇન દ્વારા બહાર કઢાઈ હતી. ઈજાગ્રસ્ત લોકો અમદાવાદ એરપોર્ટથી આણંદ જવા નીકળ્યા હતા. વહેલી સવારે અંધારું હોવાથી અને ખાડા તરફ રોડ પર બેરીકેડ ન હોવાથી ગાડી ખાડામાં ખાબકી હતી. ઘટનાનાની જાણ થતા સ્થાનિક ધારાસભ્ય, કોર્પોરેટર અને AMC ના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા.