રાજકોટ:  રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડને લઈ સૌથી મોટા સામાચાર સામે આવી રહ્યા છે. રાજકોટ મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગ અને ફાયર વિભાગના અધિકારીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે રાજકોટ મહાનગરપાલિકાના 4 અધિકારીઓના તમામ આરોપીઓના 12 જૂન સાંજના 5 કલાક સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.  12 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.   રાજકોટ ટીઆરપી ગેમઝોનમાં અગ્નિકાંડ મામલે રાજકોટ મહાનગરપાલિકાના TPO મનસુખ સાગઠીયા, ATPO મુકેશ મકવાણા, ATPO ગૌતમ જોશી, ફાયર સ્ટેશન ઓફિસર રોહિત વિગોરાને પોલીસે કોર્ટમાં રજૂ કર્યા હતા. 



રાજકોટના નાનામવા રોડ પરના TRP ગેમ ઝોનમાં ગુનાહિત બેદરકારીથી લાગેલી આગમાં મૃત્યુઆંક સત્તાવાર રીતે 28 હોવાનું સરકારે જાહેર કર્યું છે. આગમાં મૃતદેહો એટલી હદે બળી ગયા હતા કે DNA ટેસ્ટથી ઓળખ કરવી પડી હતી. 


રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ મામલે તપાસ માટે નિમેલી સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમે રાજ્ય સરકારને પ્રાથમિક અહેવાલ સુપરત કર્યો છે. ત્રણ દિવસની તપાસના અંતે તૈયાર કરાયેલો અહેવાલ મુખ્યમંત્રી અને ચીફ સેક્રેટરીને અપાયો છે. આ અહેવાલમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ તંત્રના અધિકારોની લાપરવાહીને કારણે જ આગ દુર્ઘટના બની હોવાનું પ્રાથમિક અનુમાન છે.


રાજકોટ ગેમઝોન અગ્નિકાંડમાં અત્યાર સુધીમાં અધિકારીઓ સહિત 10 આરોપીઓ વિરૂદ્ધ ફરિયાદ દાખલ થઇ છે.  જમીનના માલિકો, ગેમઝોનના સંચાલકો અને અધિકારીઓ સહિત 10 વિરૂદ્ધ આઈપીસીની અલગ અલગ કલમો વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.   


ACBની ટીમે સાગઠીયાની ઓફિસમાંથી તપાસ કરી અલગ અલગ દસ્તાવેજો જપ્ત કર્યા હતા.  જવાબદાર અધિકારીઓ વિરૂદ્ધ એસીબીનું રાજકોટમાં મહા સર્ચ ઓપરેશન ચાલ્યું હતું.  ટીપીઓ  સાગઠીયા, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર બી.જે.ઠેબા, ચીફ ફાયર ઓફિસર ઈલિયાસ ખેર, રોહિત વિગોરા, મુકેશ મકવાણા અને ગૌતમ જોશીની ઓફિસ અને રહેણાંક મકાન પર એસીબીનું સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.  અલગ અલગ પાંચ ટીમો બનાવી એસીબીએ અગ્નિકાંડના તમામ આરોપી અધિકારીઓની ઓફિસ,મકાન પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. 


રાજયભરને હચમચાવનાર આ અગ્નિકાંડ અંગે રાજકોટ તાલુકા પોલીસ મથકમાં સાપરાધ મનુષ્યવધ સહિતની કલમો હેઠળ નોંધાયેલા ગુનાની તપાસ કરતી સીટ રાજકોટ મનપાના પૂર્વ ટાઉન પ્લાનીંગ ઓફિસર મનસુખ સાગઠીયા, બે આસિસ્ટન્ટ ટાઉન પ્લાનીંગ ઓફિસર મુકેશ મકવાણા અને ગૌતમ જોષી  ઉપરાંત  ફાયર સ્ટેશનના ઓફિસર રોહિત વીગોરા સહિત ચારની ધરપકડ કરી હતી. 


ACBની કાર્યવાહીથી TPO એમ ડી સાગઠીયાના 3 એજન્ટ ગુમ


એસીબીની તપાસથી સાગઠીયાના એજન્ટો ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. ACBની કાર્યવાહીથી TPO એમ ડી સાગઠીયાના 3 એંજન્ટ ગુમ થયા હતા.  એક એજન્ટ પૂર્વ ધારાસભ્યનો પુત્ર હોવાની માહિતી છે. તમામ 3 એજન્ટ TPO સાગઠીયાના આશીર્વાદથી કરોડોના આસામી બન્યા હતા.