રાજકોટઃ ફરી એક વખત રાજકોટની સિવિલ હોસ્પિટલ વિવાદમાં આવી છે. અનિતાબેન સાવનભાઈ વાઘેલા નામના 21 વર્ષીય મહિલાને ડિલિવરી બાદ 700 ગ્રામ વજન ધરાવતી પુત્રી સાથે ખાનગી હોસ્પિટલમાંથી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. અહીં અધૂરા મહિને જન્મ થયો હોવાના કારણે પુત્રીનું મૃત્યુ નિપજ્યું હતું. ત્યાર બાદ તેની માતાનું મૃત્યુ નિપજતા પરિવારજનોમાં આક્રોશની લાગણી વ્યાપી છે. 


પરિવારજનો દ્વારા સિવિલ હોસ્પિટલના સ્ટાફની ઘોર બેદરકારીનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે. સાથે જ જ્યાં સુધી સ્ટાફ સસ્પેન્ડ ન થાય ત્યાં સુધી મહિલાની લાશ સ્વીકારવાનો પણ ઇનકાર કર્યો છે.  મહિલાનું મૃત્યુ થતાં મોટી સંખ્યામાં વાલ્મિકી સમાજના લોકો સિવિલ હોસ્પિટલ ખાતે ઉમટ્યા હતા. જેના કારણે પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો. 


સિવિલ હોસ્પિટલ પહોંચેલા વાલ્મીકિ સમાજ અને સિવિલ હોસ્પિટલના સ્ટાફ વચ્ચે થઇ ભારે બોલાચાલી પણ થવા પામી હતી. જો કે પોલીસ વચ્ચે પડતા મામલો થાળે પડ્યો હતો. બીજી તરફ સિવિલ હોસ્પિટલના અધિકારીઓ દ્વારા પરિવારજનોને મૃતકનું ફોરેન્સિક પીએમ કરાવવાની પણ છૂટ આપવામાં આવી છે.