રાજકોટઃ ધોરાજી પોલીસ મથકમાં રાજકોટ જીલ્લાની પ્રથમ લવ જેહાદની ફરિયાદ દાખલ થઇ છે, જેમાં પોલીસે ગણતરીના દિવસોમાં જ આરોપીને ઝડપી લીધેલ છે. જિલ્લા પોલીસે પ્રેસ કોંફરન્સ કરીને વિગતો આપી હતી. રાજ્યમાં લવ જેહાદનો કાયદો બન્યા બાદ એકબાદ એક લવજેહાદના કિસ્સાઓ જે રીતે સામે આવી રહ્યા છે, તેમાં વિધર્મી યુવકો દ્વારા યુવતીઓને ફોસલાવી ગુનાઓને અંજામ આપી રહ્યા છે ત્યારે આવી જ એક ઘટના રાજકોટના ધોરાજી પોલીસમા નોંધાઈ છે, જેમાં રાજકોટ જીલ્લાનો પ્રથમ લવ જેહાદનો ગુન્હો ધોરાજી પોલીસ મથકમાં દાખલ થયો હતો. જે બાદ પોલીસે ગણતરીના દિવસોમાં જ આરોપીને ઝડપી લીધેલ છે.


રાજકોટ જિલ્લામા ધોરાજી પોલીસમા પ્રથમ વખત લવ જેહાદનો ગુનો દાખલ થતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને ધોરાજી રાધાનગરમા રહેતા મુસ્લિમ પરણિત યુવક મહોમદ ઉર્ફે ડાડો ગનીભાઈ સમા સામે આ અંગેનો ગુનો નોંધાયો હતો. સાથે જ આ ફરિયાદમાં મહિલાને ઇન્સ્ટાગ્રામ ઉપર યુવકે ધાર્મિક કલમા મોકલી આપ્યા હોવાની વાત સામે આવી હતી. તો બીજી બાજુ યુવકે કાયદેસર મુસ્લિમ ધર્મ અંગીકાર કરી લેવા માનસિક ત્રાસ આપતો હોવાનો પણ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.


યુવક દ્વારા મહિલાને રૂબરૂ કહેલ કે આપણે મૌલવી પાસે કાયદેસર રીતે મુસ્લિમ ધર્મ અંગીકાર કરી લેવા કહી અને લલચાવેલ અને ફોસલાવી હતી. તેમજ આ રીતે તેને મુસ્લિમ ધર્મ પરિવર્તન કરાવવા માટે માનસિક દબાણ કરી ધર્મ પરિવર્તન માટેનો પ્રયત્ન કરેલ. લગ્નની લાલચ આપી ફરિયાદીની દિકરીને જાનથી મારી નાખવાની ધમકી આપી ફરિયાદની મરજી વિરૂદ્ધ તેમની સાથે જાતીય સંબંધ બાંધી અને તેના હિન્દુ ધર્મમાથી મુસ્લિમ ધર્મમા પરિવર્તન કરવાનો પ્રયત્ન કરેલ હતો.


આ સમગ્ર બનાવ અંગે મહિલાએ ધોરાજી પોલીસ મથકે ફરિયાદ આપી હતી અને આ અંગેની વધુ તપાસ જેતપુર નાયબ પોલીસ અધિક્ષક સાગર બાગમાર ચલાવી રહ્યા હતા ત્યારે પોલીસે ગણતરીના દિવસોમાં જ આરોપીને ઝડપી લીધેલ છે અને હાલ આગળની કાર્યવાહી હાથ ધરી છે.