Rajkot News: પીએમ મોદી આજે ગુજરાત પ્રવાસે છે. દ્વારકા બાદ તેઓ રાજકોટ જશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આવકારવા માટે રાજમાર્ગો ભગવા રંગે રંગાયું છે. રાજકોટના રેસકોર્સ રિંગ રોડ પર કેસરિયા ધ્વજ લગાડવામાં આવ્યા છે. જિલ્લા પંચાયતો, ચોક સહિતના વિસ્તારોમાં કેસરિયા ધ્વજ લાગ્યા છે તો પ્રધાનમંત્રી ને આવકારવા માટે હોલ્ડિંગસ લગાડવામાં આવ્યા છે. જિલ્લા વહીવટી તંત્ર રાજકોટ મહાનગરપાલિકા રાજકોટ શહેર અને જિલ્લાના અગ્રણીઓના હોર્ડિંગ્સ લાગ્યા છે. રાજકોટ શહેર માટે ઠેર પ્રધાનમંત્રીના કટ આઉટની સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના હોર્ડિંગ્સ લાગ્યા છે.
રાજકોટમાં પીએમ મોદી 4,000 કરોડ રૂપિયાના અલગ અલગ વિકાસ કામોનું લોકાર્પણ કરશે. રાજકોટ સહિત દેશની પાંચ એઇમ્સ હોસ્પિટલનું લોકાર્પણ કરશે. રાજકોટમાં 700 બેડની મહિલાઓ અને બાળકો માટે ની અધ્યતન જનાના હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવશે તો રેલવેના પણ કરોડો રૂપિયાના લોકાર્પણ કરવામાં આવશે.
ભાજપના ગઢ ગણાતા રાજકોટમાં લોકસભાની ચૂંટણી પહેલા જંગી સભાનું આયોજન કરવામાં આવ્યું છે. રેસકોર્સમાં એક લાખ લોકો સભામાં ઉપસ્થિત રહેશે. માત્ર રાજકોટ જ નહીં પરંતુ સૌરાષ્ટ્ર ભરમાંથી એસટી બસ અને ખાનગી વાહનો દ્વારા લોકોને રેસકોર્સ ગ્રાઉન્ડમાં લાવવામાં આવશે. રાજકોટ એરપોર્ટથી રેસકોર્સ ગ્રાઉન્ડ સુધી ભવ્યાતી ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. પોણા કિલો મીટરના રોડ શોમાં જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. રોડ શો દરમિયાન અલગ અલગ સમાજના લોકો અને સંસ્થાના લોકો પ્રધાનમંત્રીનું અભિવાદન જીલશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજકોટ માટે આજે ખાસ દિવસ છે. બરાબર 22 વર્ષ પહેલા તા.24-2-2002ના તેઓ સંગઠનમાંથી રાજકારણમાં આવીને જિંદગીની સૌ પ્રથમ ચૂંટણી રાજકોટ-2 (જે આજે રાજકોટ પશ્ચિમ છે) મતક્ષેત્રમાંથી લડયા હતા અને બાદ તેમની અને ભાજપની પ્રગતિ કદિ અટકી નથી. મોદીના સક્રિય રાજકારણને 22 વર્ષ પૂરા થયા છે ત્યારે આજે તેઓ ફરી એક વાર રાજકોટમાં આવશે અને રેકોર્ડ રૂ।.૪૮,૦૦૦ કરોડના વિકાસકામોની ભેટ પ્રજાને આપશે. તેઓ 2014 સુધી ગુજરાતના મુખ્યમંત્રી અને ત્યારબાદ એટલે કે 10 વર્ષથી વડાપ્રધાનના સર્વોચ્ચ પદે છે, વિશ્વભરમાં તેમનું નામ ગુંજતું થયું છે પરંતુ, તે રાજકોટનું ઋણ ભૂલ્યા નથી. તેમણે ગઈકાલે ટ્વિટર પર બપોરે લખ્યું, રાજકોટનું મારા હૃદયમાં એક ખાસ સ્થાન રહ્યું છે અને હંમેશા રહેશે. આ શહેરની જનતાએ મારામાં વિશ્વાસ મુક્યો હતો અને મારી ચૂંટણીમાં સૌ પ્રથમ વિજય અપાવ્યો હતો.