રાજકોટ: રાજકોટ રૂરલ પોલીસ દ્વારા આજે સફળતાપૂર્વક ફિલ્મી સ્ટાઇલમાં લૂંટ ચલાવતી આંતરરાજ્ય નાયડુ ગેંગને ઝડપી લેવામાં આવી છે. ગુજરાત, મહારાષ્ટ્ર કર્ણાટક અને રાજસ્થાન સહિતના રાજ્યોમાં બેંક અને આંગડિયા પેઢીની બહાર રેકી કરી લોકોનું ધ્યાન ભટકાવી લૂંટ કરવાની તેની મોડેસ ઓપરેન્ડી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.


આ ગેંગ દ્વારા કુલ 11 ચોરીમાં 45 લાખની લૂંટ કર્યાનું ખુલ્યું છે. પોલીસ દ્વારા ગેંગના સગીર વયના આરોપી સહિત ચારની ધરપકડ કરવામાં આવી છે. રાજકોટ જિલ્લા પોલીસ વડા બલરામ મીણાએ જણાવ્યું હતું કે 2020ના અંતમાં શાપર પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાઇ હતી. જેના આધારે તપાસ હાથ ધરતા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા.

શાપર પોલીસને મળેલી ફરિયાદના આધારે તપાસ કાર્યવાહી અંતર્ગત સીસીટીવી ચેક કરતા એક ફૂટેજની અંદર આરોપીઓના બાઈકના નંબર મળી આવ્યા હતા.તેનું પગેરું શોધવા જતા આ ગેંગની માહિતી પોલીસને મળી આવી હતી. આ આરોપીઓ વિરુદ્ધ અન્ય પોલીસ સ્ટેશનમાં પણ ગુના દાખલ હતા. આ શખ્સોના નાયડુ ગેંગના નામથી ઓળખાય છે તેમજ તેઓ બેંક તેમજ આંગડીયા પેઢીની બહાર રેકી કરી લોકોની નજર ચૂકવી અને ગુનાને અંજામ આપતા હતા.