Rajkot: રાજકોટમાં ગુનાખોરીનો ગ્રાફ દિવસેને દિવસે વધી રહ્યો છે. સોખડા પાસે પાણીની ખાણમાંથી આજે સાંજે મહિલાના શરીરના ટુકડે ટુકડા કરાયેલી લાશ બે કાપડના થેલામાંથી મળી આવતા બી-ડીવીઝન પોલીસ ઉપરાંત ક્રાઈમ બ્રાન્ચનો સ્ટાફ દોડી ગયો હતો. ક્રાઇમ બ્રાન્ચે અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરી છે. રાજકોટ અને આજુબાજુના જિલ્લામાં પણ કોઈ ગુમ મહિલાની ફરિયાદને લઈને પણ પોલીસે તપાસ હાથ ધરી છે. તાંત્રિક વિધિને લઈને મહિલાની હત્યા કરાઈ હોવાની આશંકા છે. જો છેલ્લા એકાદ મહિનામાં મહિલા ગુમ થઈ હોવાની જાણ થાય તો બી ડિવિઝન પોલીસને જાણ કરવાની અપીલ કરી હતી. મહિલાની લાશનું ફોરેન્સિક પીએમ કરવામાં આવશે. મહિલાના ગળામાંથી ચાર જેટલા તાવીજ મળ્યા છે. તાવીજ મળતા પોલીસને તાંત્રિક વિધિ માટે હત્યા થઈ હતી કે કેમ તેની શંકા છે.
સોખડા નજીક લાલપરી નદી પાસે જુદી જુદી પાણીની ખાણો છે. જયાં આસપાસનાં ઝુંપડાઓમાં રહેતા શ્રમિકોના સંતાનો ન્હાવા જાય છે. જેમણે ગઈકાલે પાણીની એક ખાણ પાસે જુદા જુદા બે કોથળામાં ટુકડા કરેલા માનવ અંગો જોતા તત્કાળ જાણ કરી હતી. ત્યારબાદ પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરાતા બી-ડીવીઝન પોલીસનો સ્ટાફ ઉપરાંત ક્રાઈમ બ્રાન્ચનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો. એટલુ જ નહી ઝોન-1 ના ડીસીપી સજ્જનસિંહ પરમાર અને એસીપી મનોજ શર્મા સહિતના અધિકારીઓ પણ સ્થળ પર પહોંચ્યા હતા. પોલીસે જોતા પાણીની ખાણમાં થોડા થોડા અંતરે બે કાપડના થેલા મળી આવ્યા હતા. જેમાં બ્લુ કલરની કોથળીઓમાં ટુકડા કરેલા અંગો જોવા મળ્યા હતા.
એક થેલામાંથી કપાયેલુ માથુ અને હાથ-પગ જયારે બીજા થેલામાંથી ધડ મળી આવ્યું હતું. બંને થેલા એક જ જગ્યાએ ફેંકાયા હતા. જેમાંથી એક થેલો પાણીના વહેણમાં થોડે દુર થતો રહ્યો હતો. મૃતદેહના કટકાનું નિરીક્ષણ કર્યા બાદ અને સ્થળ પરથી મળેલી પ્લાસ્ટીકની બંગળીઓ વગેરે પરથી મહીલાની ઘાતકી રીતે હત્યા કર્યા બાદ તેના શરીરના હત્યારાઓએ ટુકડા કરી તેને પ્લાસ્ટીકની બ્લુ કલરની બેગમાં નાખી તે બેગને બે કપડાના થેલામાં ભરી તેને ફેંકી દીધાના તારણ ઉપર પોલીસ પહોંચી છે.
બંને કોથળા નજીકથી શંકર ભગવાનના કાળો દોરો વિંટાળિલા ત્રણથી ચાર લોકેટ મળી આવ્યા હતા. જેના પરથી પોલીસે તાંત્રિક વિધિને કારણે હત્યા કરાયાની શકયતા હાલ નકારી નથી. બી-ડીવીઝન પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચે હાલ મૃતક મહિલાની ઓળખ મેળવવા પર તમામ તપાસ કેન્દ્રીત કરી છે. કારણ કે ઓળખ મળ્યા બાદ જ મૃતક મહિલાની કોણે અને કયા કારણસર હત્યા કરી તેનો ખુલાસો થશે. રાજકોટ અને તેના આસપાસના વિસ્તારો ઉપરાંત જિલ્લાઓમાં છેલ્લા પખવાડીયામાં કેટલી મહિલાઓ ગુમ થઈ છે, તેની પોલીસે માહિતી મેળવવા તજવીજ શરૂ કરી છે.