Rupala Controversy: ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલા સામે વિરોધ વધુ ઉગ્ર બન્યો છે. લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે, તેમ તેમ ક્ષત્રિય સમાજ અને અન્ય સમાજો પણ રૂપાલાની સામે વિરોધમાં ઉતર્યા છે. હવે આ કડીમાં કબરાઉ મોગલધામના મણિધર બાપુએ ક્ષત્રિયોને ખુલ્લુ સમર્થન આપ્યુ છે, અને કહ્યું છે કે, આ લડાઇમાં અમે ક્ષત્રિયોની સાથે છીએ, અપમાન સહન નહીં કરાય.
છેલ્લા કેટલાક દિવસોથી ભાજપ નેતા પરશોત્તમ રૂપાલાની ટિકીટને રદ્દ કરવાની માંગ પર ક્ષત્રિય સમાજ અડ્યો છે. રૂપાલાએ ક્ષત્રિય મહિલાઓ અને બહેનો પર અભદ્ર ટિપ્પણી કરી હતી, જે પછી આખા ગુજરાતમાં રૂપાલા સામે વિરોધ પ્રદર્શન શરૂ થઇ હતુ, ઠેર ઠેર રેલીઓ કાઢીને આવેદન આપવામાં આવ્યુ હતુ. આજે સાબરકાંઠામાં પણ ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાની ટિકીટ રદ્દ કરવાની માંગ સાથે એક મહાસંમેલન યોજાયુ હતુ. રૂપાલાની ટિપ્પણી અને વિવાદ મામલે હવે મણિધર બાપુની મોટી પ્રતિક્રિયા સામે આવી છે. ક્ષત્રિય સમાજના વિરોધને લઇને મણિધર બાપુએ પ્રતિક્રિયા આપી છે. કબરાઉ મોગલધામના મણિધર બાપુએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, આ લડાઇમાં ચારણો રાજપૂત સમાજની સાથે છે. અપમાન સામેની લડાઈમાં ક્ષત્રિયોની સાથે છીએ. સડેલા રાજકારણમાં મહિલાઓ નહીં પુરુષો બહાર આવે જે જરૂરી છે. ક્ષત્રિયોનું અપમાન થાય એમા અઢારે વરણ જોડાયેલી છે. મણિધર બાપુએ આ વિવાદ પર વધુમાં કહ્યુ કે, આવા રાજકારણ માટે જૌહર ના કરાય, ક્ષત્રિયાણીઓ સાથે ચારણ સમાજ છે.
શું છે રૂપાલાનો અભદ્ર ટિપ્પણીનો વિવાદ
પરશોત્તમ રૂપાલાએ તાજેતરમાં ચૂંટણી પ્રચાર દરમિયાન રાજકોટમાં વાલ્મિકી સમાજના એક સ્નેહમિલન સમારોહમાં સભા સંબોધી હતી. આ દરમિયાન રૂપાલાએ રજવાડાઓને લઈને વિવાદિત નિવેદન આપ્યુ હતુ. આ સભામાં તેમને કહ્યું હતુ કે, અંગ્રેજોએ દમન કરવામાં કંઈ બાકી નહોંતુ રાખ્યુ અને મહારાજાઓ નમ્યા, રાજા- મહારાજાઓએ રોટી-બેટીના વ્યવહારો કર્યા પણ મારા રૂખી સમાજે ન તો ધરમ બદલ્યો ન તો વ્યવહારો કર્યા. સૌથી વધુ દમન તેમના પર થયા હતા. આજે હજાર વર્ષે રામ એમના ભરોસે આવ્યો છે. એ સમયે તેમની તલવાર આગળ પણ નહોંતા ઝુક્યા. પરસોત્તમ રૂપાલાના આવા વિવાદિત નિવેદનો બાદ સમગ્ર ગુજરાતમાં વિરોધ ઉગ્ર બન્યો હતો.