રાજકોટઃ આજે ખોડલધામ - કાગવડ ખાતે લેઉવા અને કડવા પાટીદાર સમાજના આગેવાનો વચ્ચે બેઠક યોજાશે. કયા હેતુસર આ બેઠક યોજાવાની છે તે અંગે ટ્રસ્ટ દ્વારા હાલ કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરાયુ નથી. બેઠકમાં વિશ્વ ઉમિયાધામ ટ્રસ્ટ - અમદાવાદ, ઊંઝા, સિદસર, સમસ્ત પાટીદાર સમાજ - સુરત સહિતની રાજ્યની કડવા પાટીદાર સમાજની ૭ સંસ્થાઓના ટ્રસ્ટીઓ હાજરી આપશે.
આ બેઠકમાં ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ, ટ્રસ્ટી રમેશભાઈ પટેલ, સુરતના મથુરભાઇ સવાણી, લવજીભાઈ બાદશાહ, ઉમિયા ધામ મંદિરના જયરામ ભાઈ પટેલ, ઊંઝા મંદિરના દિલીપભાઈ નેતા, સોલા ઊમિયા ધામ કેમ્પસના વાસુદેવભાઈ પટેલ અને રમેશ દૂધવાળા, વિશ્વ ઉમિયાધામ ફાઉન્ડેશનના આર.પી પટેલ તેમજ સરદારધામના ગગજીભાઈ સુતરીયા ઉપસ્થિત રહેશે.
મળતી વિગત મુજબ આજે સવારે 10 વાગ્યે ખોડલધામ ખાતે કડવા પાટીદાર સંસ્થાઓના ટ્રસ્ટીઓ - આગેવાનો કાગવડ ખાતે ખોડલધામ પહોંચશે. અહીં મંદિર ખાતે માતાજીના દર્શન કર્યા બાદ ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલ સહિતના લેઉવા પાટીદાર આગેવાનો સાથે કડવા પાટીદાર આગેવાનોની બેઠક યોજાશે.
અગાઉ, ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણી પૂર્વે ખોડલધામના ટ્રસ્ટીઓએ ઉમિયાધામ ઊંઝાની મુલાકાત લીધી હતી. 2022 વિધાનસભા ચૂંટણી પૂર્વે કડવા - લેઉવા પાટીદાર સમાજના આગેવાનો વચ્ચેની બેઠકને સૂચક માનવામાં આવી રહી છે.
બીજી તરફ સૌરાષ્ટ્રમાં પાટીદારોની બેઠક પર સરકારની નજર છે. રાજ્યની ગુપ્તચર એજન્સીઓની બેઠક સક્રિય થઈ છે. બેઠકની તમામ ગતિવિધિઓ પર ગુપ્તચર એજન્સીની નજર છે. રાજ્યના સામાજિક અગ્રણી પાટીદારોની બેઠકને લઈને ગાંધીનગર સતર્ક થયું. નરેશ પટેલ ઉમિયાધામ ગયા બાદ ત્યાંના આગેવાનો ખોડલધામ આવતા હોવાનું કથન છે.