Ram Vilas Paswan Birth Anniversary Special: 5 જૂલાઈ એ લોક જનશક્તિ પાર્ટીના સ્થાપક અને દિવંગત ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાનની જન્મજયંતિ છે. દેશના અગ્રણી દલિત નેતાઓમાં તેમનું નામ સામેલ હતું. તેઓ એવા નેતા હતા જેમણે સરકારી નોકરી છોડીને 'સરકાર' બનવાનું નક્કી કર્યું. બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવે એકવાર કટાક્ષમાં રામવિલાસ પાસવાનને 'રાજનીતિના હવામાનશાસ્ત્રી' કહ્યા હતા, ત્યારપછી આ ટેગ તેમની સાથે જ રહ્યું હતું.


પાસવાન ‘રાજકારણના હવામાનશાસ્ત્રી’ કેવી રીતે બન્યા?


2009ની લોકસભા ચૂંટણીના લગભગ ત્રણ મહિના પહેલા તત્કાલિન કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાને RJDના વડા લાલુ પ્રસાદ યાદવને બિહારમાં કોંગ્રેસને કેટલીક વધુ બેઠકો આપવાનું સૂચન કર્યું હતું. તેમને ડર હતો કે જો આમ નહીં થાય તો યુપીએમાંથી બહાર ફેંકાઈ જવાનો ખતરો છે.


તે સમયે લાલુ પ્રસાદ યાદવ યુપીએ-1 સરકારમાં રેલવે મંત્રી હતા. લાલુ યાદવે તેમના કેબિનેટ સહયોગી રામવિલાસ પાસવાનના સૂચન પર ધ્યાન આપ્યું ન હતું. 2009ની લોકસભા ચૂંટણીના પરિણામો આવ્યા ત્યારે લાલુ યાદવની આરજેડીને ભારે નુકસાન થયું હતું. રામવિલાસ પાસવાન પણ હાજીપુરથી હારી ગયા હતા.


પાસવાનની આગાહી મુજબ કોંગ્રેસ સતત બીજી વખત સત્તામાં આવી હતી. ત્યારથી લાલુ યાદવે રામવિલાસ પાસવાનને હવામાનશાસ્ત્રી કહેવાનું શરૂ કર્યું હતું, જેનો અર્થ એ થયો કે પાસવાનને અગાઉ ખ્યાલ આવી જતો હતો રાજકારણમાં કઈ રીતે પવન ફૂંકાઈ રહ્યો છે.


લાલુ યાદવે પણ ખાનગીમાં સ્વીકાર્યું હતું કે પાસવાનના સૂચનને ના માનવું એ તેમની સૌથી મોટી રાજકીય ભૂલોમાંની એક હતી કારણ કે આરજેડીને યુપીએમાંથી બહાર ફેંકી દેવામાં આવી હતી અને 2013માં આરજેડીના વડાને જેલમાં જવું પડ્યું હતું.


છ વડાપ્રધાનો સાથે કામ કર્યું


2014ની લોકસભા ચૂંટણીમાં રામવિલાસ પાસવાન, તેમના પુત્ર ચિરાગ પાસવાન એ છ એલજેપી સાંસદોમાં સામેલ હતા જેઓ મોદી લહેરમાં જીત્યા હતા. રામવિલાસ પાસવાન એકમાત્ર એવા કેન્દ્રીય મંત્રી હતા જેમણે છ વડાપ્રધાનો સાથે કામ કર્યું હતું. 2014માં મોદી સરકારમાં જોડાતા પહેલા પાસવાને વીપી સિંહ, એચડી દેવગૌડા, ઈન્દ્ર કુમાર ગુજરાલ, અટલ બિહારી વાજપેયી અને મનમોહન સિંહની સરકારમાં કામ કર્યું છે. તેઓ મોદી સરકારના પ્રથમ અને બીજા કાર્યકાળમાં ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી બન્યા હતા.


રામવિલાસ પાસવાનની રાજકીય કારકિર્દી


પાસવાન 9 વખત લોકસભાના અને 2 વખત રાજ્યસભાના સાંસદ રહ્યા હતા. તેમણે તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત સંયુક્ત સોશ્યલિસ્ટ પાર્ટીના સભ્ય તરીકે શરૂ કરી હતી અને 1969માં બિહાર વિધાનસભામાં ચૂંટાયા હતા. જ્યારે લોકદળની રચના કરવામાં આવી ત્યારે પાસવાન તેમાં જોડાયા અને તેમને પાર્ટીના મહાસચિવ બનાવવામાં આવ્યા હતા.        


દેશમાં ઇમરજન્સીનો વિરોધ કરનારા નેતાઓમાં પાસવાન પણ હતા અને તેમને જેલમાં જવું પડ્યું હતું. 1977 તેઓ હાજીપુર મતવિસ્તારમાંથી જનતા પાર્ટીના સભ્ય તરીકે પ્રથમ વખત લોકસભામાં પહોંચ્યા. આ પછી તેઓ 1980, 1989, 1991 (રોસડા), 1996, 1998, 1999, 2004 અને 2014માં ફરીથી સાંસદ તરીકે ચૂંટાયા હતા.


2000માં તેમણે લોક જનશક્તિ પાર્ટીની રચના કરી અને તેના પ્રમુખ બન્યા. 2004 માં તેઓ યુપીએ સરકારમાં જોડાયા અને રસાયણ અને ખાતર મંત્રાલય અને સ્ટીલ મંત્રી બન્યા. 2021 માં રામ વિલાસ પાસવાનને મરણોત્તર ભારતનો ત્રીજો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મ ભૂષણ એનાયત કરવામાં આવ્યો હતો.


રાજકારણ માટે બિહાર પોલીસની નોકરી છોડી


રામવિલાસ પાસવાનનો જન્મ 5 જુલાઈ 1946ના રોજ બિહારના ખગડિયા જિલ્લાના શહરબન્નીમાં રહેતા પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ જામુન પાસવાન અને માતાનું નામ સિયા દેવી છે. 'પાસવાન' શબ્દનો અર્થ અંગરક્ષક અથવા ચોકીદાર તરીકે ગણવામાં આવે છે.


પાસવાને કાયદામાં ગ્રેજ્યુએશન કર્યું હતું. બાદમાં એમએની ડિગ્રી પણ મેળવી હતી. 1969 માં તેઓ બિહાર પોલીસમાં નાયબ પોલીસ અધિક્ષક (ડીએસપી) તરીકે પસંદ થયા હતા. તે જ વર્ષે તેઓ સંયુક્ત સમાજવાદી પાર્ટીની ટિકિટ પર પ્રથમ વખત ધારાસભ્ય બન્યા હતા.


જાતે જ બની ગયા 'સરકાર'


રામવિલાસ પાસવાને એક વખત તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત વિશે રસપ્રદ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, “1969માં પોલીસ અને એસેમ્બલી બંનેમાં એકસાથે મારી પસંદગી થઈ હતી. ત્યારે મારા એક મિત્રે પૂછ્યું, મને કહો, તમારે સરકાર બનવું છે કે નોકર? પછી મેં રાજકારણ પસંદ કર્યું.” લાંબી માંદગી બાદ 8 ઓક્ટોબર 2020ના રોજ 74 વર્ષની વયે તેમનું અવસાન થયું હતું.