નવી દિલ્હી: બેન્ક લોન્સ ડિફોલ્ટ કેસમાં ભાગેડુ વિજય માલ્યને સ્પશિયલ એન્ટી મની લોન્ડ્રિંગ કોર્ટે 27 ઓગસ્ટે હાજર થવા સમન્સ મોકલ્યું છે. જો વિજય માલ્યા કોર્ટમાં હાજર નહીં થાય તો તેની 12,500 કરોડ રૂપિયાની તમામ સંપત્તી જપ્ત કરવામાં આવશે. તેના પર વિવિધ બેન્કોના 9000 કરોડ રૂપિયાનું દેવું છે.


એનફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ(ઈડી)એ વિશેષ અદાલતમાં વિજય માલ્યા વિરુદ્ધ અરજી કરી હતી. ફ્યૂજિટિવ ઇકોનૉમિક ઑફેન્ડર ઑર્ડિનન્સ હેઠળ વિજય માલ્યાને સમન્સ મોકલામાં આવ્યું છે. પ્રિવેન્શન ઓફ મની લોન્ડ્રિંગ એક્ટ અંતર્ગત આ કેસની તપાસ કરી રહેલા વિશેષ જજ એમ એસ આઝમીને ઈડીએ માલ્યા વિરુધ્ધ બીજી વખત ચાર્જશીટ દાખલ થયા બાદ આ પગલા લીધા છે.

માલ્યા કોર્ટમાં હાજર ના થાય તો તેને આર્થિક ભાગેડૂ જાહેર કરી દેવામાં આવશે અને તેની તમામ સંપત્તિ જપ્ત કરી લેવામાં આવશે. આ પહેલા ઈડીએ માલ્યા વિરુદ્ધ બે કેસ નોંધ્યા હતા જેના બાદ વિશેષ અદાલતે વિજય માલ્યાને બિન જામિનપાત્ર વોરંટ જાહેર કર્યું હતું.

વિજય માલ્યાએ થોડા દિવસ પહેલાજ કહ્યું હતું કે 15 એપ્રિલ 2016 ના રોજ વડાપ્રધાન અને નાણામંત્રીને પત્ર લખીને પોતાનો પક્ષ રાખવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સરકાર તરફથી મને કોઈજ જવાબ મળ્યો નથી.