સુરત:  સુરતના પુણા વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટના સાથે વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. પિતાની બાઈક લઈને નીકળેલા 15 વર્ષીય કિશોરનું લક્ઝરી અડફેટે આવતા કરુણ મોત નીપજ્યું છે. સુરત પોલીસે અપીલ કરી છે કે 18 વર્ષથી નીચેની ઉમરના બાળકોને વહાનો ચલાવવા આપવા હિતાવહ નથી.


નાની વયના સંતાનોને વાહન ચલાવવા આપી દેનારા વાલીઓ માટે ચેતવણીરુપ કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. સુરતના પુણા વિસ્તારમાં પિતાની બાઈક લઈ રાઉન્ડ મારવા નીકળેલા ધોરણ-૯ના વિદ્યાર્થીને પુણાગામ સ્થિત રેશ્માનગર ચાર રસ્તા નજીક ફ્લાય ઓવર બ્રિજ પાસે લક્ઝરી બસના ચાલકે અડફેટે લેતા કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. એકના એક લાડકવાયા પુત્રના અકાળે મોતથી પરિવારજનો ઘેરા શોકમાં ડૂબી ગયા છે.


ઘટના અંગે મળતી માહિતી મુજબ મુળ ગીર-સોમનાથના ઉના તાલુકાના અંજાર ગામના વતની મનિષભાઈ હીરાભાઈ ટાંક પરિવાર સાથે પુણાગામ સ્થિત ચામુંડાનગરમાં રહે છે. મનિષભાઈ કડોદરા ખાતે એમ્બ્રોઈડરીના કારખાનામાં નોકરી કરી પત્ની સોનલબેન અને 15 વર્ષીય પુત્ર યશનું ગુજરાન ચલાવે છે. પુણાગામ ખાતેની નચીકેતા સ્કૂલમાં ધોરણ-૯માં અભ્યાસ કરતો યશ નિત્યક્રમ મુજબ શનિવારે સાંજે પિતા મનિષભાઈની બાઈક લઈ રાઉન્ડ મારવા નીકળ્યો હતો. નિયમિત સમયસર ઘરે આવી જતા યશને શનિવારે પરત ફરવામાં મોડુ થતા મનિષભાઈએ તેની શોધખોળ શરૂ કરી હતી. દરમિયાન મનિષભાઈને ભત્રીજાનો ફોન આવ્યો હતો કે, પુણાગામ સ્થિત રેશ્માનગર ચાર રસ્તા નજીક ફ્લાય ઓવર બ્રિજ પાસે યશને અકસ્માત નડ્યો છે. 


ત્યારબાદ મનિષભાઈ ઘટનાસ્થળે પહોંચતા લક્ઝરી બસના ચાલકે ટક્કર મારતા સર્જાયેલા અકસ્માતમાં યશ પર ટાયર ફરી વળતા તેનુ મોત થયું હોવાનું તેમને જાણવા મળ્યું હતું. બનાવ અંગે પુણા પોલીસે લક્ઝરી બસના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


વ્યાજખોરોએ જેતપુરના યુવક પાસેથી અઢી લાખના વસૂલ્યા 25 લાખ


રાજ્યભરમાં પોલીસ વ્યાજખોરો સામે કાર્યવાહી કરી રહી છે. આ માટે વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. તેમ છતાં વ્યાજખોરો ત્રાસ વર્તાવી રહ્યા છે. રાજકોટ જિલ્લાના જેતપુરમાં વ્યાજના વિષચક્રમાં ફસાયેલા PGVCLના કર્મચારીએ આપઘાત કર્યાની ઘટના સામે આવી છે. ગત મોડી રાતે હર્ષદ વણજારા નામના યુવકે ગળેફાંસો લગાવી કર્યો આપઘાત હતો. મૃતક યુવાને વ્યાજે લીધેલા અઢી લાખના વ્યાજખોરોએ 25 લાખ વસુલ્યા હતા. વ્યાજે લીધેલી રકમની દસ ગણી રકમ વસુલ્યા બાદ પણ વ્યાજખોરો હજુ વધુ પૈસા માંગતા હતા. મૃતક યુવાન વાંકાંનેર ખાતે pgvclમાં વાયરમેન તરીકે નોકરી કરતો. મૃતકે યુવાને આપઘાત પૂર્વે સુસાઇડ નોટ લખી  હતી. જેમાં ત્રણ વ્યાજખોરો મરવા માટે મજબૂર કરતા હોવાની નોંધ લખી છે. મૃતક યુવાનના મૃતદેહ ને જેતપુર સરકારી હોસ્પિટલ પીએમ અર્થ ખસેડાયો હતો. જેતપુર સિટી પોલીસ તપાસ હાથ ધરી છે.