સુરતઃ શહેરમાં 17 વર્ષીય સગીરા પર બળાત્કારની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. સગીરાની માતાએ બળાત્કારી ગણેશ સામે લીંબાયત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે. સગીરા પર તેની સાથે કામ કરતાં સહકર્મીએ બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ સગીરાની માતાએ કરી છે.

આ અંગેની મળતી વિગતો પ્રમાણે, 17 વર્ષીય સગીરાની ગત 13મી ડિસેમ્બરે તબિયત બગડતા માતા તેને સારવાર માટે સ્વીમેર હોસ્પિટલ લઈ ગઈ હતી. અહીં સોનોગ્રાફી કરાવતા સગીરાને બે માસનો ગર્ભ હોવાનું જાણવા મળતાં માતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. માતાએ બાળકના પિતા અંગે પૂછપરછ કરતાં સગીરાએ મનપાના કચરા ટેક્ટર પર સાથે કામ કરતાં કર્મચારી ગણેશે બળાત્કાર ગુજારતા ગર્ભ રહી ગયો હોવાનું જણાવ્યું હતું. સમગ્ર ઘટનાની જાણ થતાં સગીરાની માતાએ દુષ્કર્મ આચરનાર ગણેશ વિરુદ્ધ લિંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

17 વર્ષીય સગીરા અગાઉ વ્યારામાં સંબંધીને ત્યાં રહેતી હતી. જોકે, 5 મહિના પહેલા પિતાનું અવસાન થતા માતા સાથે રહેવા સુરત આવી ગઈ હતી. દરમિયાન તે પાલિકાના કચરાના વાહન પર સફાઇ કામદાર તરીકે કામ કરતી હતી. બે મહિના પહેલા સાથે કામ કરતાં ગણેશે સગીરા પર બળાત્કાર ગુજાર્યો હતો. જેને કારણે તેને ગર્ભ રહી ગયો છે.