Surat News: સુરતમાં સુંદર,સુશીલ અને ગુણવાન પત્નીની શોધ માટે લોકો નારીગૃહને પણ એક વિકલ્પ તરીકે જોઇ રહ્યા છે. સુરત નારીગૃહમાં ૨૦ હજારથી વધુ લગ્નવાંચ્છુકોની અરજીઓ પેન્ડિંગ છે અને પ્રતિદિન રૂબરૂ અને ફોન પર ૫૦થી વધારે ઇન્ક્વારિઓ આવતા મેન ગેટ પર જ લગ્ન માટે કોઇ બહેન નહીં હોવાથી પુછપરછ કરવી નહી તે રીતનું પોસ્ટર ચોંટાડવાની નોબત આવી છે. સમાજથી ઉપેક્ષિત અને કોઇ પણ કારણોસર ઘરથી વિખૂટી પડેલી બહેનોને નારીસંરક્ષણ ગૃહમાં આશ્રય આપવામાં આવે છે અને તેમની તમામ તકેદારી રાખવામાં આવે છે.
જન્મથી જ તરછોડવામાં આવેલી બાળકી કે જેને સંરક્ષણ ગૃહમાં ઉછેરવામાં આવી હોય અથવા અનાથ બાળકી હોય તે લગ્નની ઉમરે પહોંચે તો સરકારે નક્કી કરેલા માપદંડોને અનુસરી નારી સંરક્ષણ ગૃહ દ્વારા લગ્ન કરાવવામાં આવે છે. છેલ્લી વાર સુરત નારીસંરક્ષણ ગૃહમાં વર્ષ ૨૦૧૯માં ૨ છોકરીઓના લગ્ન કરવામાં આવ્યા હતા. અહીંની યુવતીઓ સાથે લગ્ન કરવા માટે લગ્નવાંચ્છુકોએ મોકલેલા બાયોડેટાના આધારે પસંદગી કરવામાં આવે છે. છેલ્લા ચાર વર્ષમાં ૨૦ હજારથી વધુ એવી અરજીઓ આવી છે, કે જે લોકોએ લગ્ન માટે નારીગૃહની યુવતીઓ સાથે લગ્ન કરવા તૈયારી બતાવી છે.
પોસ્ટ ગ્રેજ્યુએટથી લઇ બિઝનેસમેન સુધીની અરજી
જે લોકો લગ્ન માટે અહીં તેમની અરજી અને બાયોડેટા મોકલે છે તેમાં ઉચ્ચ શિક્ષણ ધરાવતા લોકો સાથે મોટા બિઝનેસમેન પણ શામેલ છે. જેમ કે એસએસસી,એચએસસી, ગ્રેજ્યુએટ,પોસ્ટગ્રેજ્યુએટથી લઇ દુકાનદાર અને બિઝનેસમેનોના પણ બાયોડેટા હાલ પેન્ડિંગ છે. તે સિવાય,રત્નકલાકાર કારખાનામાં નોકરી કરનારાઓ સાથે પ્રોફેશનલ્સ પણ શામેલ છે.
૬૦ વર્ષના વૃદ્ધોની પણ અરજી આવી
નારી સંરક્ષણ ગૃહમાં એવુ નથી કે ફક્ત ૨૨ કે ૨૫ વર્ષના યુવકો તરફથીજ લગ્ન માટે અરજીઓ આવે છે પરંતુ વિધુર અને ૬૦ વર્ષની ઉમરે પહોંચી ગયેલા વૃદ્ધો પણ અંતિમ પડાવના સમયે એક સાથીની શોધ માટે અરજીઓ કરે છે. જેમાં માત્ર સુરત જ નહી પરંતુ ગુજરાતના અન્ય શહેરોની સાથોસાથ મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાન અને ઉત્તરપ્રદેશ સહિતના રાજ્યોમાંથી પણ મોટી સંખ્યામાં રજીસ્ટર એડીથી અરજીઓ અને બાયોડેટા આવે છે.
સમય સાથે કેટલાક સમાજમાં છોકરીઓની સંખ્યા છોકરાઓ કરતા ઓછી થઇ છે, જ્યારે અમુક વર્ગમાં છોકરીઓનું શિક્ષણ સ્તર વધ્યું છે અને છોકરીના પરિવારજનો પણ છોકરો સારી રીતે કમાતો હોય તેવા ઘરમાં જ દીકરી આપવાનું પરિવારજનો પસંદ કરતા હોય છે. જેને લીધે પણ લગ્ન માટે લોકો નારી સંરક્ષણ ગૃહ તરફ નજર કરી રહ્યા છે. જોકે તેઓ જે કારણ દર્શાવે છે તેમાં કેટલાક લોકોનું કહેવુ છે કે નારી સંરક્ષણ ગૃહમાં ઉછરેલી યુવતીને પરિવારનો પ્રેમ મળે તેનું પણ ઘર વસે સહિતના અનેક કારણો રજૂ કરેલા હોય છે. ઉલ્લેખનીય છે કે જો નારી સંરક્ષણ ગૃહમાં કોઇ યુવતીની લગ્ન યોજવામાં આવે તો પણ તેની પહેલા તમામ પ્રકારની તપાસ કરવામાં આવે છે. સ્ત્રોત, પરિવારજનો, તેનો ઇતિહાસ, તેની ટેવ, કુટેવથી લઇને તમામ પ્રકારની બાબતોને સરકારની યુવકના આવકનો કમિટી દ્વારા તપાસ કરવામાં આવે છે અને જો આ તમામ વેરિફિકેશનના માપદંડમાં યુવક પાસ થાય તો જ અનુમતિ મળે છે. અંતિમવાર સુરત નારીગૃહમાં વર્ષ ૨૦૧૯માં ૨ યુવતીઓના લગ્ન યોજાયા હતા.