સુરતઃ શહેરના પર્વત પાટિયા વિસ્તારમાં વેપારીને પત્નીએ પાંચમાં માળેથી કૂદીને પુત્રી સાથે આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. પરિણીતા કોમલ આશિષ સોમાણી સાથે ત્રણ વર્ષની દીકરી મિસ્ટીનું પણ આ ઘટનામાં મોત નીપજ્યું છે. ડ્રેસ પેકીંગ બોક્સના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારી આશિષના પત્ની અને પુત્રીએ આપઘાત કરી લીધો છે. ત્યારે પરિણીતાના પિયરવાળાએ દીકરીના સાસરીવાળા સામે આક્ષેપો લગાવ્યા છે. જોકે, આક્ષેપો સાચા છે કે ખોટા તે તો તપાસ પછી જ ખબર પડશે.


કોમલના પરિવારે આક્ષેપ લગાવ્યો હતો કે, તેનો પતિ આશિષ શેર બજારમાં લાખો રૂપિયા હારી ગયો હતો. અમારી પાસે એક વાર 5 લાખ રૂપિયા અને પછી 20 લાખ રૂપિયાની માંગણી કરી હતી. તેણે ધંધો કરવા માટે રૂપિયા જોતા હોવાનું બહાનું બતાવ્યું હતું. જોકે, તપાસ કરતાં તેણે શેર બજારમાં નાણા ગુમાવ્યા હોવાનું જાણવા મળ્યું હતું.

કોમલના પરિવારના સભ્યોએ એવો પણ આક્ષેપ લગાવ્યો હતો કે, આશિષની ભાભી તેના પિયરથી પૈસા લાવતી હોવાથી તેમની દીકરીને તેઓ મહેણા મારતા હતા. જેને કારણે કોમલ પરેશાન રહેતી હતી. કોમલે તેના પિયરવાળાને આ અંગે વાત કરી હતી. તેમજ સાસરીવાળાથી કંટાળી ગઈ હોવાનું કહેતી હતી. તેમણે જણાવ્યું હતું કે, તે ઝઘડા થતા હોવાથી અલગ રહેવા માંગતી હતી. કોમલના પિયરવાળાઓએ પણ આ અંગે આશિષના પરિવારજનો સાથે વાત કરી હતી, પરંતુ તેઓ દીકરાને અલગ કરવા દેવા તૈયાર નહોતા.

એટલું જ નહીં, થોડા દિવસ પહેલા કોમલ અને તેની જેઠાણી વચ્ચે હાથાપાઇ થઈ હોવાનો પણ આક્ષેપ કોમલના પરિવારવાળાએ લગાવ્યો હતો. જોકે, પોલીસે આ આત્મહત્યના ગુનામાં અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે જણાવ્યું હતું કે, તપાસ પછી બીજી વિગતો સામે આવશે.

રુદ્રમણી એપાર્ટમેન્ટમાં રહેતા આશિષ દેવેન્દ્ર સોમાણીના 30 વર્ષીય પત્ની કોમલે 3 વર્ષીય દીકરી મિસ્ટી સાથે ગઈ કાલે બપોરે પાંચમા માળેથી કૂદીને આપઘાત કરી લીધો હતો. આપઘાત પહેલા પરિણીતાએ પતિને ફોન કર્યો હતો. પત્ની કોમલે પતિ આશિષ દેવેન્દ્ર સોમાણીને કહ્યું, સોરી હું જાવ છું તમે ધ્યાન રાખજો. આમ કહીને 5માં માળેથી મોતની છલાંગ લગાવી દીધી હતી. આ પરિવાર મૂળ હરિયાણોનો છે. સુરતમાં પર્વત પાટિયા વિસ્તારમાં રુદ્રમણી એપાર્ટમેન્ટમાં રહેતા હતા. જોકે, આપઘાતનું કારણ અકબંધ છે. પુણા પોલીસે પરિવારજનોના નિવેદન લઈ તપાસ આરંભી છે.