દક્ષિણ આફ્રિકામાં થયેલા રોડ અકસ્માતમાં તડકેશ્વરના બે યુવાનોનાં મોત નિપજ્યાં હતાં જેને કારણે ગ્રામજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. બે યુવાનોનાં મોતથી પરિવારજનોમાં માતમ છવાઈ ગયો હતો.

દક્ષિણ આફ્રિકામાં થયેલા માર્ગ અકસ્માતમાં તડકેશ્વરના બે યુવાનના મોત નીપજતાં ગ્રામજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. માંડવી તાલુકાના તડકેશ્વર ગામમાં ચૌહાણ ફળિયામાં રહેતા ઇમ્તિયાઝ હનીફ દેસાઇ તેમજ તડકેશ્વર નવી નગરીમાં રહેતા આસીફ ઐયુબ લીંબાડા અને અફવાન અબ્દુલ કુવાડીયા છેલ્લાં પાંચ વર્ષથી વધુ સમયથી દક્ષિણ આફ્રિકા ખાતે કામધંધા અર્થે જઈ આફ્રિકાની રોશનીમાં તડકેશ્વરના ત્રણેય યુવકો નોકરી કરતા હતા.

ઇમ્તિયાઝ અને આસીફ બન્ને મિત્રો સહિત અન્ય બે મળી કુલ પાંચ મિત્રો પોતાની કાર લઈ ડર્બન ખાતે રવિવારની રજા માણવા માટે સહેલગાહે જઈ રહ્યાં હતા. તે દરમિયાન લેડી સ્મિથ નજીક આગળ જઈ રહેલી પુરપાટ કારે અચાનક બ્રેક મારતા સૂચિત નવયુવકોની કાર આગળની કાર સાથે ભટકાતા પાછળથી આવી રહેલી અન્ય કાર પણ આગળની કાર સાથે ધડાકાભેર અથડાઇ બે કારો વચ્ચે કચ્ચરઘાણ નીકળી ગયો હતો જેના કારણે કારમાં સવાર પાંચ મિત્રો પૈકી તડકેશ્વરના ઇમ્તિયાઝ હનીફ દેસાઇ અને આસીફ ઐયુબ લીંબાડાનું શરીરના વિવિધ ભાગે ગંભીર ઇજા સાથે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડતા જ્યાં ટૂંકી સારવાર બાદ કરુણ મોત થયું હતું.

આ ઉપરાંત અન્ય બે મિત્રો પૈકી અફવાન અબ્દુલ કુવાડીયાનું પણ સારવાર ચાલી રહી છે અને હજુ પણ બે યુવકો સારવાર હેઠળ હોવાની વિગતો જાણવા મળી હતી. મરનાર ઇમ્તિયાઝ હનીફ દેસાઇ પરિવારમાં ત્રણ બહેનોનો એક માત્ર ભાઇ હોય રોજીરોટી માટે દક્ષિણ આફ્રિકા નોકરી માટે ગયા હતા. પરિવારના આધારસ્તંભ બન્ને પુત્રોની અણધારી વિદાયના ગત મોડી રાત્રે તડકેશ્વર ખાતે સમાચાર આવતાં બન્નેના પરિવારજનો આઘાતમાં સરી પડ્યા હતાં.