સુરતઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં ‘આત્મનિર્ભર ભારત અભિયાન’ની કરેલી હાકલના પગલે ચાઈનીઝ પ્રોડક્ટ્સનો બહિષ્કાર કરવાનું અભિયાન શરૂ થયું છે. ગુજરાતમાં સુરતમાં સૌથી પહેલાં આ અભિયાનની શરૂઆત થઈ છે. સુરતમાં આજે ચાઈનીઝ પ્રોડક્ટનો બહિષ્કાર કરવાના અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સે આ અભિયાનની શરૂઆત કરી છે.


કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ(CAIT) દ્વારા ‘સ્વદેશી સામાન, હમારા અભિમાન’ અભિયાન રાષ્ટ્રીય સ્તરે શરૂ કરાયું છે. તેના ભાગરૂપે આજે CAIT દ્વારા સુરતમાં સ્વદેશી માસ્ક અને ચાના કપનું વિતરણ કરવામાં આવ્યું હતું. લોકોને ‘સ્વદેશી સામાન, હમારા અભિમાન’ અભિયાનમાં જોડાઈને ભારતીય ઉત્પાદનો વેચવાની અપીલ પણ કરવામાં આવી હતી.



આ પ્રસંગે CAIT દ્વારા કહેવાયું કે, ચીનથી ભારતમાં  4 પ્રકારની પ્રોડકટની આયાત થાય છે.  ભારતમાં તૈયાર માલ, કાચો માલ, સ્પેર પાર્ટ્સ અને ટેક્નિકલ ઉત્પાદનોની ચાઈનાથી આયાત થાય છે અને આ આયાત સતત વધી રહી છે. 2001માં ચીન થી માત્ર 2 અબજ ડોલરની આયાત થતી હતી કે જે વધીને હવે 70 અબજ ડોલર થઈ ગઈ છે. તેના કારણે ભારતીય ઉત્પાદકોનો ફટકો પડ્યો છે તેથી છેલ્લા 4 વર્ષથી CAIT દ્વારા ચાઈના પ્રોડકટનો વિરોધ કરવામાં આવે છે.