સુરતના પલસાણા તાલુકાના વરેલી ગામમાં આવેલ તુલસી પાર્ક ઈંડસ્ટ્રીયલ એસ્ટેટમાં આગની ઘટના બની છે. સાડી પેકિંગ માટેની થેલીઓ અને માસ્ક બનાવતી વિવા પેકેજીંગ મિલમાં ભીષણ આગ લાગી છે. ભીષણ આગના સમાચાર મળતા જ જિલ્લાભરના તેમજ સુરત શહેરના દસથી વધુ ફાયર ફાઈટરો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
જિલ્લા કલેક્ટરે એબીપી અસ્મિતા સાથે વાત કરતા માહિતી આપી કે વહેલી સવારે સાડા ચાર વાગ્યાની આસપાસ આગ લાગી છે. અને હાલ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. બે હાઈડ્રોલિક ક્રેનની મદદથી અત્યાર સુધીમાં 124 લોકોનું રેસક્યુ કરવામાં આવ્યું છે. સાથે જ હવે દરેક ફ્લોર પર જઈને ફાયર ફાઈટરો બચાવ કામગીરીમાં જોતરાયા છે. તો આગની ઘટનામાં ઈજાગ્રસ્તોને સુરતની સ્મીમેર હોસ્પિટલમાં ખેસડવામાં આવ્યા છે.
જીવ બચાવવા કેટલાક લોકો ઉપરથી કુદી ગયા હોવાની આશંકા. પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે.
સુરતના મેયર હેમાલીબેન બોધાવાલાએ કહ્યું કે, હાલમાં સ્થિતિ કાબુમાં છે. હાલ તમામને બચાવી લેવામાં આવ્યા છે. બહારના બાંધકામને તોડીને ફાયર બ્રિગેડના જવાનો અંદર જવાનો પ્રયત્ન કરી રહ્યા છે.
જિલ્લા કલેક્ટર આયુષ ઓકે કહ્યું કે, હાલમાં આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. 100થી વધારે કામદારોને બચાવી લેવામાં આવ્યા છે. એક એક માળ પર જઈને ફાયર વિભાગ તપાસ કરી રહી છે. વહેલી સવારે સાડા ચાર વાગ્યાની આસપાસ આગ લાગી હતી.