સુરતઃ સુરત એરપોર્ટ પર શારજાહથી ઉતરેલા વૃદ્ધ દંપતીના શરીરમાંથી 1 કરોડનું સોનુ પકડાયું છે. કસ્ટમ વિભાગે સોનાની કેપ્સૂલો કબ્જે કરી છે. શંકાના આધારે મુંબઇના 60 વર્ષીય વૃદ્ધ અને તેની પત્નીને અટકાવી તપાસ કરવામાં આવી હતી. વૃદ્ધ દંપતી કુલ 8 કેપ્સુલમાં 1 કિલો 900 ગ્રામ સોનું સંતાડીને લાવ્યું હતું.


કોરોનાની ગતિ મંદ પડતા સુરતમાં વિદેશો માટેની ફ્લાઈટ્સ ફરી શરૂ થઈ છે. ત્યારે કસ્ટમ વિભાગે સોનાની દાણચોરીને રોકવા માટે શક્ય તમામ પ્રયાસો શરૂ કર્યા છે. રવિવારે રાત્રે, શારજાહથી સુરતની ફ્લાઇટમાં ડીબોર્ડિંગ કરીને એરપોર્ટથી બહાર આવી રહેલા એક વૃદ્ધ દંપતી પર તેમને શંકા પડી હતી. જેમની તપાસ કરતાં 1 કિલો 900 ગ્રામ સોનું શંકાસ્પદ રીતે ઝડપાયું હતું. જેમાં કેપ્સ્યુલના રૂપમાં બોડીમાં અને થોડું બેગમાં સંતાડીને સોનું લઈ જવાતું હતું. 


જપ્ત કરાયેલા સોનાની કિંમત 1.01 કરોડ જણાવાઈ રહી છે. કસ્ટમ વિભાગના સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, રવિવારે રાત્રે લગભગ 12 વાગ્યાની આસપાસ શારજાહથી સુરત જતી ફ્લાઈટ લેન્ડ થઈ હતી. મુસાફરો એરપોર્ટની બહાર ઉતરી જતા હતા. દરમિયાન મુંબઈના ઈકબાલ (60) અને સુગરા (58)ને શંકાના આધારે અટકાવાયા હતા. તેમની બેગ તપાસતાં તેમાંથી સોનું નીકળ્યું હતું. આથી બંનેને પૂછપરછ માટે લઈ જવાયા હતા. પૂછપરછ દરમિયાન બંને રડવા લાગ્યા હતા. મુંબઇના દંપતીએ પોતે જ સોનાની દાણચોરીની વાત સ્વીકારી હતી. 60 વર્ષીય ઇકબાલે તેના ગુદામાં 04 કેપ્સ્યુલ અને સુગરામાં 02 કેપ્સ્યુલ છુપાવી હતી. તેમનું કુલ વજન 1 કિલો 900 ગ્રામ હતું. જેની બજાર કિંમત 1.01 કરોડ જણાવવામાં આવી રહી છે. બંનેએ જાતે જ તેમના શરીરમાંથી કેપ્સ્યુલ કાઢીને તેમને સોંપી દીધી હતી.