અંકલેશ્વરઃ અહમદ પટેલનો પાર્થિવદેહ અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલના કોલ્ડ રૂમથી એમ્બ્યુલન્સ મારફત તેમના વતન પિરામણ પહોંચી ગયો છે. તેમજ થોડીવારમાં તેમની દફનવિધિ કરવામાં આવશે. અહેમદ પટેલની દફનવિધિમાં હાજરી આપવા માટે કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધી સહિત અનેક મોટા નેતાઓ પણ આવી રહ્યા છે. ભરૂચના પીરામણ સુન્ની વ્હોરા મુસ્લિમ જમાત કબ્રસ્તાન ખાતે તેમની દફનવિધિ કરવામાં આવશે. તેમના માતાની કબરની બાજુમાં દફનવિધિ થશે.


અહેમદ પટેલની દફનવિધિમાં હાજરી આપવા માટે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા, શક્તિસિંહ ગોહિલ, અધિરંજન ચૌધરી, ડી કે શિવકુમાર, અર્જુન મોઢવાડિયા, મુકુલ વાસનિક પહોંચ્યા છે. છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ, મધુસૂદન મિસ્ત્રી, રાહુલ ગુપ્તા પણ પહોંચ્યા છે. આ ઉપરાંત અમિત ચાવડા, હાર્દિક પટેલ, તુષાર ચૌધરી અને રાજીવ સાતવ રાહુલ ગાંધી સાથે થોડીવારમાં પહોંચશે.

અહેમદ પટેલના નિધન બાદ પિરામણ ગામ શોકમાં ગરકાવ થઈ ગયું છે અને મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પણ અહેમદ પટેલની દફનવિધિમાં હાજરી આપવા માટે ગુજરાત આવ્યા છે. તેઓ સુરત એરપોર્ટથી અહેમદ પટેલના વતન પિરામણ જવા રવાના થયા છે. રાહુલ ગાંધીની સાથે રાજીવ સાતવ, અમિત ચાવડા સહિતના નેતા ઉપસ્થિત છે.

કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલનું બુધવારે સવારે 3.30 વાગે નિધન થયું હતું. તેમના દીકરા ફેસલ પટેલે નિધનની જાણકારી આપી હતી. થોડાક દિવસો પહેલા તે કોરોના સંક્રમિત થયા હતા. ત્યારબાદ તેમના શરીરના કેટલાક અંગો કામ કરતા બંધ થઇ ગયા હતા.