Adulteration In Ice Cream: ગરમીની સીઝનમાં આઈસ્ક્રીમનો ચટાકો લેતા હોય તો સાવધાન થઈ જજો. સુરતમાં આઈસ્ક્રીમમાં મોટી ભેળસેળ જોવા મળી છે. સુરત શહેરના 10 પાર્લર પરના આઈસ્ક્રીમ ખાવાલાયક નહીં હોવાનો ઘટસ્ફોટ થયો છે. પાલિકાના ફૂડ વિભાગ તરફથી લેવાયેલા નમૂનાનો રિપોર્ટમાં આ ખુલાસો થયો છે


પાલિકા તરફથી ગત દિવસોમાં સુરત શહેરમાં અલગ-અલગ વિસ્તારોમાંથી 25થી વધુ આઈસ્ક્રીમ વિક્રેતાઓને ત્યાંથી 29 આઈસ્ક્રીમનાં નમૂના લીધા હતાં. જેનું ટેસ્ટિંગ લેબોરેટરીમાં કરવામાં આવ્યું હતું. 29 પૈકી 10 નમૂના ફેઈલ સાબિત થયા હતાં. મિલ્ક ફેટની માત્રા 10 ટકાથી ઓછી હોવાની સાથે ટોટલ સોલીડની માત્રા પણ 36 ટકાથી ઓછી મળી હતી.


રાજ્યમાં ભેળસેળની આ ઘટના નવી નથી રાજ્યમાં સુરત, રાજકોટ જેવી અનેક જગ્યાએ અનેક ખાદ્ય વસ્તુઓમાં ભેળસેળના સમાચાર સામે આવતા રહે છે. પણ મહત્ત્વની વાત એ છે કોઈ વસ્તુમાં ભેળસેળ થઈ છે કે નહીં તેનો ખુલાસો થાય ત્યાં સુધીમાં લોકો જે તે જગ્યાએથી એ વસ્તુ આરોગી લીધી હોય છે અને તંત્ર દ્વારા માત્ર અમુક રૂપિયાનો દંડ ફટકારીને સંતોષ માનવામાં આવે છે. 


થોડા સમય પહેલા રાજકોટ મનપા દ્વારા લેવામાં આવેલા નમૂના ફેલ થયા હતા. જેમાં  શ્રીખંડ અને ફરાળી લોટમાં ભેળસેળ ખુલી પડી હતી.  ફૂડ કલર અને મકાઈનો અને ઘઉંનો લોટ ફરાળી લોટમાંથી નીકળ્યો હતો.  મનપા દ્વારા વિમલ નમકીન, મંત્ર મહલ અને રાધે કેટરિંગ તેમજ આર એક ગૃહ ઉધ્યોગમાંથી લીધેલા નમૂના નાપાસ થયા છે.  કોર્ટ કેસ સહિતની કાર્યવાહી મનપા દ્વારા શરૂ કરવામાં આવી છે.  


રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા વિમલ નમકીન, શ્રીરામ ગૃહ ઉદ્યોગ, અશોક ગાર્ડન પાસે ઉમાકાંત પંડિત, ઉદ્યોગનગર,  લક્ષ્મીનગર મેઇન રોડ,  પાસેથી લેવામાં આવેલ ખાદ્યચીજ કેશર શિખંડ (લુઝ)ના નમૂના તપાસ બાદ સીન્થેટિક ફૂડ કલર ટાર્ટ્રાઝીન અને સનસેટ યેલો એફસીએફની હાજરી તેમજ મિલ્ક ફેટનું પ્રમાણ ધારાધોરણ કરતાં ઓછું હોવાને કારણે નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે.


રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા  રાધે કેટરર્સથી લેવામાં આવેલ ખાદ્યચીજ  ફરાળી લોટ, ફરાળી પેટીશ માટેનો (લુઝ)” નો નમૂનો તપાસ બાદ મકાઇના સ્ટાર્ચની હાજરી હોવાને કારણે નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે.


રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગની ટીમ તથા એફ.એસ.એફ.વાન સાથે શહેરના નાણાવટી ચોકથી રામેશ્વર મેઇન રોડ વિસ્તારમાં આવેલ ખાધ્યચીજોનું વેચાણ કરતાં કુલ 20 ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં 08 ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવેલ. તેમજ ખાધ્ય ચીજોના કુલ 20 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી.