આ અંગેની વિગતો એવી છે કે, માછીવાડના મોટા તાઈવાડના 55 વર્ષીય ધીરુભાઈ શુક્કરભાઈ ટંડેલ પોતાના પત્ની લક્ષ્મીબેન સાથે તડકેશ્વર મંદિરે ફૂલ લઈને દર્શન માટે જઈ રહ્યા હતા. તેઓ આરપીએફ ગ્રાઉન્ડ પાસેથી બાઇક( જીજે 15, એએફ 6406) લઈને પસાર થઈ રહ્યા હતા, ત્યારે તેમનું બાઇક સ્લીપ થઈ ગયું હતું. આ સમયે જ વલસાડ કપરાડા રૂટની એસટી વિબાગની લોકલ બસ (જીજે 18, ઝેડ 2610)ના પાછળના ટાયરમાં દંપતી આવી જતાં બંનેના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. ઘટનાને પગલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. બસ ચાલક પોલીસ સ્ટેશનમાં હાજર થયા છે.
દંપતી કચડાયાની બસ ચાલકને જાણ થતાં તેણે બસ થંભાવી દીધી હતી. તેમજ તેઓ સામેથી પોલીસ સ્ટેશને હાજર પણ થઈ ગયા હતા. અકસ્માત થતાં જ આસપાસથી લોકોના ટોળા ઉમટી પડ્યાં હતાં. તેમજ રોડ સાંકડો હોવાથી ટ્રાફિક જામ સર્જાયો હતો. બાદમાં પોલીસે ઘટના સ્થળે પહોંચીને ટ્રાફિક ક્લિયર કર્યો હતો.