સુરતઃ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે આજે કેજરીવાલ પર પ્રહાર કર્યા હતા. તેમણે કેજરીવાલ પર પ્રહાર કરતાં કહ્યું કે, 10 લાખ નોકરી આપવાની વાત કરે છે. કેજરીવાલે જુઠ્ઠું બોલવું તો વધારે બોલવું એવું છે. આખા દેશમાં ગુજરાત યુવાનોને સૌથી વધારે રોજગાર આપે છે. જે વચન આપવા આવે છે એને સમજી લેવું જોઈએ. ગુજરાતી એટલે હાથ લાંબો કરે એટલે આપવા માટે લાંબો કરે છે. આપણે સજાગ રહેવાની જરૂર છે.
હમણાં હમણાં એક ભાઈ આવે છે અને મફત પાણીની વાત કરે છે. એક રૂપિયોને દસ પૈસા જેવો એક દિવસનો ભાવ થાય છે. આટલું સસ્તું ટ્રીટેડ પાણી આખા દેશમાં કોઈ આપતું નથી. એટલે ગુજરાતની જનતાને ફ્રીમાં પાણી આપવાની લાલચ ન આપો. એક ભાઈ આવીને કહે છે કે અમે ફ્રીમાં વીજળી આપીશું. પરંતુ પાવર આવશે કે કેમ તે એક સવાલ છે. ગુજરાતના યુવાઓને પણ નોકરીની લાલચ આપી છે. સાડા પાંચ લાખ નોકરી સરકારે જાહેરાત કરી છે ત્યારે આ ભાઈ દસ લાખ નોકરીની જાહેરાત કરે છે. પણ તે કેવી રીતે કરશે તે નક્કી નથી. ગુજરાત રાજ્ય આખા દેશમાં સૌથી વધુ રોજગારી આપતું રાજ્ય છે.
કોરોના દરમ્યાન પણ સૌથી વધુ કારીગરો સુરતથી ગયા હતા. અને કોરોના બાદ પણ તમામ રાજ્યમાંથી સૌથી વધુ લોકો ગુજરાત આવ્યા હતા. એટલે ગુજરાતીઓને લોલીપોપ આપવાનું બંધ કરી દો. ગુજરાતી આપવા માટે હાથ લાંબો કરે છે માંગવા માટે નહીં.
કોઈપણ ઉદ્યોગ જ્યારે મુશ્કેલીમાં મુકાયો છે ત્યારે ભાજપ સરકાર તેમની સાથે ઉભી રહી છે. આ વ્યાપારમાં જ્યારે પેમેન્ટ અટકી જાય કે નથી આવતું ત્યારે વેપારીઓ દવા લઈને પણ વેપાર ચાલુ રાખે છે. કારણકે નીચલા વર્ગના લોકોનો ચૂલો સલગવો જોઈએ. સુરતની સાથે કાપડ ઉદ્યોગમાં સ્પર્ધામાં આવી શકે તેવો કોઈ દેશ નથી.
ચાઇના હોય કે અન્ય દેશ ભારતના કાપડ ઉદ્યોગની સરખામણીએ ન આવી શકે. હર ઘર તિરંગા અભિયાન માં સુરત ટેકસટાઇલ ના 30 હજારથી વધુ વેપારીઓ જોડાયા હતા. વડાપ્રધાન મોદી પણ ટેકસટાઇલ ઉદ્યોગની તમામ મુશ્કેલીઓ હલ થાય તે દિશામાં પ્રયાસ કરી રહ્યા છે.
ટેકટસ્ટાઈલ ની કમનસીબી એ છે કે આ ઉદ્યોગ મહિલાઓ માટે છે. પરંતુ આ ઉદ્યોગ માં મહિલાઓ ઉદ્યોગકાર ઓછા છે. ટેક્સટાઇલ ઉદ્યોગકાર પોતાની મૂડી નાખી લાખો.લોકો ને રોજગારી આપે છે. ઉદ્યોગકારો પોતે ચિંતા માં હોય પરંતુ કામદારો ને રોજીરોટી આપે છે. સુરત ના ઉદ્યોગકારો કાપડ માં અનેક ફેર કરી તેની ગુણવત્તા વધારી રહ્યા છે. વિશ્વમાં ટકી રહેવા માટે વેપારી મહેનત કરે છે. ટેકનોલોજી નો ભરપૂર ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, સુરત મુંબઈને પણ ઝાંખું પાડશે. ડાયમંડ બુર્સ ચાલુ થાય તો તેની ચમક સુરતમાં વધશે.
દર્શના જર્દોષે કહ્યું કે, સુરત શું છે અને તેની તાકાત શું છે અને તે બતાવવા બદલ કાપડ ઉદ્યોગનો આભાર. મણિપુર જેવા નાના સ્ટેટમાં પણ સુરતના પાંચ લાખથી વધુ તિરંગા ફરકયા. આવતીકાલે વડાપ્રધાન ગુજરાત આવી રહ્યા છે ત્યારે 75 ચરખા તૈયાર કરવામાં આવ્યા છે. વડાપ્રધાન હેન્ડલુમ અને ગૃહઉદ્યોગ સાથે જોડાયેલ વસ્તુને પ્રમોટ કરતા હોય છે. દુનિયામાં શુ એક્સપોર્ટ કરી શકાય તે વડાપ્રધાન જાણે છે. એટલે જ સુરતના મેન મેડ ફાયબર ને ધ્યાને રાખી ટેકસટાઇલ પોલિસી બનાવી. દક્ષિણ ગુજરાતના વાંસી બોરસી ખાતે પીએમ મિત્ર પાર્ક બનાવવામાં આવશે. જેના માટે માટે આખા દેશમાં 13 રાજ્યોમાંથી 7 ને મંજૂરી મળશે. આમ સૌપ્રથમ રાજ્ય ગુજરાત છે જે ગર્વની વાત છે.