Surat Railway Station: સુરતથી ઉપડતી ટ્રેનમાં ભારે અફરાતફરી જોવા મળી હતી. યાત્રીઓ જીવના જોખમે બારીમાંથી ઘૂસવા મજબૂર બન્યા હતા. હોળી પર વતન જવા ધસારો જોવા મળી રહ્યો છે. પુરી સહિતની ટ્રેનોમાં ભારે અફરાતફરીનો માહોલ સામે આવ્યો છે. તંત્ર ફરીવાર વામણું પુરવાર થયું છે. જેને કારણે યાત્રી જીવના જોખમે બારીમાંથી ઘૂસવા મજબૂર થયા છે. રિઝર્વ કોચમાં ભીડ વધતાં બુકિંગ હોવા છતાં ઘણા યાત્રીઓ રહી ગયા અને બીજી બાજુ મેગા બ્લોક ચાલી રહ્યો છે.


 



હોળી પર્વ વધુ એકવાર ટ્રેનની સંખ્યા વધારવામાં તંત્ર નિષ્ફળ નિવડ્યું છે. યુપી-બિહાર, રાજસ્થાન, બંગાળ તેમજ ઉત્તર ગુજરાત-સૌરાષ્ટ્ર તરફ જવા હાલમાં સુરત સ્ટેશન પર ભારે ભીડ થઈ રહી છે. નીચે ટિકિટ માટે લાંબી કતારો લાગે છે તો પ્લેટફોર્મ પર અફરાતફરી સર્જાઈ રહી છે. રિઝર્વેશનમાં વેઈટિંગ લિસ્ટ લાંબુ હોવાથી ટ્રેનોમાં રિઝર્વ ડબ્બામાં ઘૂસવા મજબૂર બની રહ્યા હતા. જનરલ ડબ્બામાં એ હાલત છે કે, યાત્રીઓ ધક્કામૂક્કી કરવા ઉપરાંત ડબ્બામાં પહેલા સામાન ફેંકીને પછી ટ્રેનમાં ઘૂસવા માટે મથામણ કરી રહ્યા હતા. ઘણા બારીમાંથી પણ ઘૂસ્યા હતા.


હાલમાં યુપી, ઓરિસ્સા, રાજસ્થાન, દિલ્હી, બંગાળ તરફ રોજ 30 હજારથી વધુ મુસાફરો જઇ જેનાથી છે. જેમને વેઇટિંગ નથી મળ્યું તેઓ જનરલ ટિકિટમાં સ્લીપર કોચમાં દંડ ભરીને જઈ જતાં ઘણા કન્ફર્મ ટિકિટવાળા યાત્રી રહી જાય છે. સિઝનમાં આવા 60 ટકા મુસાફરો રહે છે. ટ્રેનોમાં રોજ 2-3 ચેઇન પુલિંગ થયા છે. રેલવેએ ટ્રેનોમાં એકસ્ટ્રા કોચ ન જોડતા ભીડ વધુ રહે છે.


સવારે 10 વાગ્યે સુરત દાનાપુર એક્સપ્રેસમાં જવા પણ લોકોએ ભારે દોડાદોડી કરી હતી. આ ટ્રેન સુરતથી 10 વાગ્યે ઉપડીને ઉધના અને ત્યાંથી આગળ જાય છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર-પુરી અને પશ્ચિમ એક્સપ્રેસમાં પણ ભારે ધસારો રહે છે. સ્ટેશન પર હાલમાં દર રોજ 24x7 યાત્રીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. નીચે બુકિંગ કાઉન્ટરો પર યાત્રીઓની લાંબી લાંબી કતારો જોવા મળે છે તો પ્લેટફોર્મ પર ટ્રેન આવવાના સમયે પગ મૂકવાની પણ જગ્યા હોતી નથી. હોળીના તહેવારોના લોકો જીવન જોખમમાં મુસાફરી કરી રહ્યા છે અને ટ્રેનની કેપેસીટી 1500 છે તો ત્યાં ડબલ લોકો ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા છે તેની પાછળ કોણ જવાબદાર? લોકો નાના બાળકો સાથે જોખમી મુસાફરી કરવા માટે મજબુર બન્યા હતા. ફરી એક વખત સુરત ઉધના સ્ટેશન પર લોકડાઉન જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.