Heart Attack Death:સુરતમાં વધુ એક યુવક હાર્ટ અટેકની ભેટ ચઢી ગયો. સુરતના ઓલપાડમાં 34 વર્ષના યુવકને હાર્ટઅટેક આવતા સારવાર મળે તે પહેલા મોત થયું.


રાજ્યમાં સતત વધી રહેલા હાર્ટ અટેક અને તેનાથી થતાં મોતના કિસ્સા ચિંતા વધારી છે. નાની વયે હાર્ટ અટેકના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. કોરોના બાદ નાની વયે આવતા હાર્ટ અટેક અને તેનાથી થતાં મોતની સિલસિલો થંભવાનું નામ લેતો નથી. રાજ્ય દરરોજ સરેરાશ એકથી ત્રણ હાર્ટ અટેકના કિસ્સા બની રહ્યાં છે. આજે સુરતનો વધુ એક યુવક હાર્ટ અટેકનો ભોગ બનતાં જિંદગી ગુમાવી


સુરતમાં વધુ એક યુવક ધબકાર ચૂકી ગયો. વધુ એક યુવકનું હાર્ટ અટેકથી મોત થયું છે. સુરતના ઓલપાડના મંદરોઈ ગામે રહેતા 34 વર્ષીય દિનેશ શાહનું હાર્ટઅટેકના કારણે મૃત્યુ થયું છે. મંદરોઈ ગામે  એકવા નામના ઝીંગા તળાવની સાઈટ પર કામ કરતો હતો. હિટાચી મશીનના ડ્રાઇવર દિનેશ શાહને વોમિટિંગ થયા બાદ અટેક આવ્યો હતો. બાદ તેમને તાબડતોબ સુરતના ઓલપાડ ખાતે સારવાર માટે હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા. જો કે તેમને સારવાર મળે તે પહેલા જ મોત થઇ જતાં ડોકટરે યુવકને  મૃત જાહેર કર્યો હતો. અચાનક યુવકની ચીરવિદાયથી પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. 


તો બીજી તરફ હીસાગર જિલ્લામાં વધુ એક યુવાનનું હાર્ટ એટેકના કારણે મોત થયું છે. લુણાવાડા તાલુકા પંચાયત કચેરીમાં તલાટી કમમંત્રી તરીકે ફરજ બજાવતા  રાજેન્દ્રસિંહ કટારા નામક યુવાનનું મોત નીપજતા શોકનો માહોલ છવાઈ ગયો હતો.


યુવાનોના હૃદય સતત નબળા પડી રહ્યા છે. એક ચોંકાવનારો અહેવાલ જણાવે છે કે આજે લોકો જે પ્રકારની જીવનશૈલી જીવી રહ્યા છે તેની અસર હૃદય પર પડી રહી છે અને હાર્ટ એટેક જેવી જીવલેણ બીમારીઓ ઝડપથી વધી રહી છે. અમેરિકન જર્નલ ઑફ ક્લિનિકલ એન્ડ ડાયગ્નોસ્ટિક રિસર્ચમાં પ્રકાશિત અહેવાલ દર્શાવે છે કે 2015 સુધીમાં ભારતમાં લગભગ 6.5 કરોડ લોકો હૃદયની બીમારીઓથી પીડિત હતા. આશ્ચર્યની વાત એ છે કે આમાંથી લગભગ 2.5 કરોડ લોકો 40 વર્ષ કે તેનાથી ઓછી ઉંમરના છે. WHOનો તાજેતરનો રિપોર્ટ પણ ભારતીયોને ડરાવશે. આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે છેલ્લા 10 વર્ષમાં ભારતમાં હ્રદય રોગના કારણે મૃત્યુની સંખ્યામાં 75%નો વધારો થયો છે. રિપોર્ટ અનુસાર, માત્ર વર્ષ 2019માં જ સમગ્ર વિશ્વમાં લગભગ 1.80 કરોડ લોકો હૃદયની બીમારીઓને કારણે મૃત્યુ પામ્યા છે. આમાંથી 85 ટકા મૃત્યુનું કારણ માત્ર હાર્ટ એટેક છે.