Fake Journalist News: રાજ્યમાં અખબાર, ટીવી ચેનલોની સાથે સાથે હવે યુટ્યૂબ પત્રકારોની સંખ્યામાં ખુબ મોટો ઉછાળો આવ્યો છે. આમાંથી કેટલાક પત્રકારો પર તોડબાજી અને હેરાનગતિ કરવાનો પણ આરોપો સમયાંતરે લાગ્યા છે. પરંતુ હવે આ મામલે ખુદ ભાજપના જ ધારાસભ્યએ અવાજ ઉઠાવ્યો છે. સુરત પૂર્વના ધારાસભ્ય અરવિંદ રાણાએ મુખ્યમંત્રી સમક્ષ આવા કથિત પત્રકારો વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
ગુજરાતમાં ટીવી અને પ્રેસના પત્રકારોની સાથે સાથે હવે કેટલાક કથિત પત્રકારોનો પણ રાફડો ફાટી નીકળ્યો છે. હાલમાં જ ભાજપના નેતા અને સુરત પૂર્વના ધારાસભ્ય અરવિંદ રાણાએ મુખ્યમંત્રીને પત્ર લખીને માંગ કરી છે કે, રાજ્યમાં કથિતા પત્રકારો, યુટ્યૂબરો અને તોડબાજી કરાનારા નકલી પત્રકારો વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે. ધારાસભ્ય રાણાની માગ છે કે, આવા તોડ કરનારા કથિત પત્રકારોના એક્રિડેશન કાર્ડ પણ જપ્ત કરવામાં આવે. એક્રિડેશન કાર્ડ જપ્ત કરીને બ્લેક લિસ્ટ કરાય અને તોડ કરતી યુ-ટ્યુબ ચેનલ, ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ બ્લૉક કરવામાં આવે.
અગાઉ સુરતમાં ધરાસભ્ય અરવિંદ રાણાએ મુખ્યમંત્રીને પત્ર લખીને આરટીઆઈના દુરઉપોગ પર પ્રતિબંધ લગાડવા રજૂઆત કરી હતી
સુરત શહેરમાં ખાનગી બાંધકામ-રીપેરીંગના કિસ્સામાં પણ આરઈઆઈ કરીને મિલકતદારોને ત્રાસ ધમકી આપીને પૈસા પડાવાય છે. આવી ફરિયાદો વધી હોવાથી મહારાષ્ટ્રની જેમ ગુજરાતમાં પણ જાહેર હિત ના હોય ત્યાં સુધી આરટીઆઈમાં માહિતી નહીં આપવા કાયદો બનાવવા સુરતના ધારાસભ્ય અરવિંદભાઈ રાણાએ મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરી છે.
ધારાસભ્ય અરવિંદભાઈ રાણાએ લખેલા પત્રમાં રજૂઆત કરી છે. કેટલાક લોકો આરટીઆઈ એક્ટ અંતર્ગત ખાનગી મિલકતોના બાંધકામ રીપેરીંગ કે અન્ય બાબતે માહિતી માંગે છે અને તેની સાથે નકશાની માંગણી પણ કરે છે જે મેળવી લીધા બાદ અધિકારીઓ પર દબાણ લાવી વ્યક્તિગત રીતે લોકોને હેરાન પરેશાન કરી ભયનું વાતાવરણ ઉભું કરે છે અને મિલકત માલિકો પાસેથી રૂપિયાની માંગણી કરી બાંધકામ તોડાવી નાખવાની આપે છે. સુરતમાં આવા કેટલાક કિસ્સાઓમાં લોકો માનસિક રીતે પરેશાન થઇ જતા હોય આપઘાત સુધી પણ વાત પહોંચી જતી હોય છે. વ્યક્તિગત આરટીઆઈ માંગીને સામાન્ય લોકોને પરેશાન કરનારાઓ સામે કાર્યવાહી કરવી જોઈએ. તેમણે પત્રમાં જણાવ્યું છે કે, મુખ્ય માહિતી કમિશ્નર માહિતી આયોગ મહારાષ્ટ્ર દ્વારા આરટીઆઈ માહિતી અધિકાર અધિનિયમ 2005ની કલમ 18[8]સી અને કલમ 25[5] હેઠળ એવો આદેશ કરવામાં આવ્યો છે કે, તમામ જાહેર સતાવાળાઓએ બાંધકામ ઈમારતોના નકશા-દસ્તાવેજો માંગવામાં આવે ત્યારે સુરક્ષાના કારણોસર આવી માહિતી આપવી જોઈએ નહીં, તેમજ ખાનગી કેટેગરીની ઈમારતો મહાનગર પાલિકા-નગર પાલિકાઓને પણ જાહેર હિત ના હોય તો વસ્તુનકશા નહીં આપવા જોઈએ તેવું જણાવવામાં આવ્યું છે. ત્યારે આ પ્રકારના હુકમ ગુજરાતના માહિતી ખાતા દ્વારા પણ કરાવવામાં આવે તેવી રજૂઆત કરી છે.