સુરત: સુરતના સરથાણા જકાતનાકા પાસે આવેલા તક્ષશિલા એપાર્ટમેન્ટના બીજા માળે ચાલતા ટ્યુશન ક્લાસિસમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી ગઇ હતી. પ્રચંડ આગને કારણે 21 વિદ્યાર્થીઓના મોત થયા છે.


આ ઘટનાને લઈને પ્રધાનમંત્રી મોદીએ ટ્વિટ કરી દુખ વ્યક્ત કર્યું છે. તેમણે લખ્યું સુરતમાં ભીષણ આગની ઘટનાથી દુખી છું. મારી સંવેદનાઓ મૃતક પરિવાર સાથે છે. ઈજાગ્રસ્તોને ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરુ છું. મે ગુજરાત સરકારને સ્થાનીક પ્રશાસન પાસે પ્રભાવિતોને તમામ પ્રકારની સહાયતા કરવા કહ્યું છે.


આગની જાણ થતાં ફાયર બ્રિગેડની 15થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. આગથી બચવા માટે 10થી વધુ વિદ્યાર્થીઓએ બિલ્ડિંગના બીજા માળથી કૂદકા લગાવ્યા હતા. ઘટનાની જાણ થતાં વિદ્યાર્થીઓના વાલીઓ પણ પહોંચી ગયા હતા. ફાયર બ્રિગેડના જવાનોએ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું.