SURAT : સુરતના વરાછામાં રાજ્યના પૂર્વ મંત્રી કુમાર કાનાણીએ ટ્રાફિક પોલીસ પર નાણાં ઉઘરાવવાનો આરોપ લગાવતા ખળભળાટ મચી ગયો છે. વરાછામાં ટ્રાફિક દંડ નહીં ઉઘરાવવાની માંગ સાથે પૂર્વ મંત્રી કુમાર કાનાણીએ સુરતના ટ્રાફિક DCPને પત્ર લખ્યો છે. 


આ પત્રમાં તેમણે લખ્યું છે કે જો વરાછામાં ટ્રાફિક દંડ લેવામાં આવશે તો હું સ્થળ પરજ રામધૂન કરી એ જ સ્થળે વિરોધ કરીશ. કુમાર કાનાણીએ આરોપ લગાવ્યો છે કે વરાછા વિસ્તારમાં દંડ ઉઘરાવી ટ્રાફિક પોલીસ સેટિંગ કરે છે. ટ્રાફિક પોલીસ દ્વારા 4 હજારનો દંડનો ભય બતાવી 500 થી 1000 રૂપિયામાં પતાવટ કરવામાં આવે છે.તેમણે કહ્યું કે મેં અગાઉ પણ દંડ નહીં ઉઘરાવવા જણાવ્યું હતું, ત્યારે દંડ ઉઘરાવવાનું બંધ થયું હતું. હવે પાછી ફરિયાદ આવી રહી છે, પણ  હવે વરાછામાં દંડ નહીં ઉઘરાવવા દઈએ. 


કુમાર કાનાણીએ સુરતના ટ્રાફિક DCPને લખેલો પત્ર 
“સવિનય સાથ જણાવવાનું કે, આ અગાઉ પણ મેં લેખિત તેમજ મૌખિક વરાછા વિસ્તારમાં ટ્રાફિક પોલીસ, RTO દ્વારા જે દંડ ઉઘરાવવામાં આવી રહ્યો હતો, તે બંધ કરવા માટે રજૂઆત કરવામાં આવેલ છે, જેને અનુસંધાને દંડ વસુલવાનું કામ બંધ હતું. પરંતુ છેલ્લા 20 દિવસથી ફરીવાર આઠ-દસ  કે પંદર-વિસના ટોળામાં દંડ વસુલવાનું શરૂ કરેલ છે. ખાસ કરીને હીરાબાગ સર્કલ, રચના સર્કલ જેવા પોઈન્ટો ઉપર દંડ વસુલવાની કાર્યવાહી થઇ રહી છે.  જેનો હું સખ્ત વિરોધ કરૂ છું અને આ દંડ વસુલીનું કાર્ય બંધ રાખવાની માંગણી કરું છું. અને જો વરાછામાં દંડ વસુલવામાં આવશે તો હું તેમનો સ્થળ પર શાંતિપૂર્વક વિરોધ કરીશ જે બાબતે નોંધ લેવા ઘટતું કરશો.


કુમાર કાનાણીની ટ્રાફિક પોલીસ સાથે રકઝક 
સુરતના વરાછામાં દંડ બાબતે પૂર્વ મંત્રી કુમાર કાનાણી અને ટ્રાફિક પોલીસ વચ્ચે રક્ઝક થઇ હતી. આ રકઝકનો વિડીયો વાયરલ થયો છે. જો કે આ વિડીયો કેટલા દિવસ પહેલાનો છે એની જાણ થઇ શકી નથી.