સુરતઃ ગુજરાતની 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત તથા 81 નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટેના એક પછી એક પરિણામો સામે આવી રહ્યા છે, ત્યારે સુરત જિલ્લાથી મોટા સમાચાર સામે આવ્યા છે. સુરત કોર્પોરેશનમાં ભાજપનો ભવ્ય વિજય થયો હતો અને કોંગ્રેસના સૂપડા સાફ થઈ ગયા હતા. જોકે, સુરત કોર્પોરેશનમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રી થઈ હતી. હવે આવી જ હાલત જિલ્લા અને તાલુકા પંચાયતની પણ થઈ છે.


કામરેજ તાલુકા પંચાયત અને જિલ્લાની બેઠકોનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. 20 તાલુકા પંચાયત પૈકીની 18 બેઠકો પર ભાજપ, જ્યારે 2 બેઠકો આપના ફાળે ગઈ છે. જ્યારે સુરત જિલ્લા પંચાયતની કામરેજની ચારેય બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો છે. ઉંભેળ ,નવાગામ ,કામરેજ અને ખોલવડમાં ભાજપનો વિજય થયો છે. કામરેજ તાલુકામાંથી કોંગ્રેસના સુપડા સાફ થયા છે.