સુરતના રાંદેરમાં મેરુ લક્ષ્મી મંદિરની સામે આવેલી અમી સોસાયટીમાં રહેતા અને દૂધનો વ્યવસાય કરતા ઈમરાનભાઈ પટેલના લઘુબંધુ સિરાઝની જોનીસબર્ગમાં હત્યા કરવામાં આવી હતી.
આ અંગે ઈમરાનભાઈનો સંપર્ક કરતાં તેમણે કહ્યું હતું કે, છેલ્લાં સાડા ત્રણ વર્ષથી સિરાઝ આફ્રિકાના પ્રિટોરિયામાં રહી ટેલરિંગનો વ્યવસાય કરતો હતો. જેને ભારતીય ચલણ મુજબ રૂપિયા પાંચ લાખ એક વ્યક્તિ પાસે લેવાના નીકળતા હતા. આ રકમ આપવા માટે પ્રિટોરિયાથી જોહનીસબર્ગ બોલાવી તેની ક્રૂરતાપૂર્વક હત્યા કરી દેવામાં આવી હતી. ત્રણેય હત્યારા ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતાં. ચપ્પુ વડે હુમલો કરી ગળું કાપી હત્યા કરી દેવાઈ હતી.
તેમણે કહ્યું હતું કે, સિરાઝના ભાઈ સરફરાઝ અને બે સાળા પણ ત્યાં જ રહેતા હોવાથી સિરાઝની દફનવિધિ ત્યાં જ કરી દેવામાં આવી છે. બે પુત્રોએ પિતાની અને પત્નીએ પતિની છત્રછાયા ગુમાવી હતી. માતા-પિતા અને ભાઈના પરિવાર સાથે રહેતા સિરાઝની હત્યાની જાણકારી મળતાંની સાથે જ પરિવાર પર આફતનું આભ ફાટી પડ્યું હતું.