Surat Rain :અમદાવાદની જેમ સુરતમાં પણ વહેલી સવારથી મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી. સુરતમાં વહેલી સવારથી સતત  વરસાદ વરસી રહ્યો છે. કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદ વરસતાં વિઝિબિલિટી પણ ઘટી હતી. ભારે પવન સાથે વરસાદ વરસતાં અને વિઝિબિલિટી ઘટતાં વાહન ચાલકોની મુશ્કેલી વધી છે. સુરતના આઠવા, પાર્લે પોઇન્ટ, વેસુ. અડાજણામાં ભારે વરસાદને કારણે જળભરાવની સ્થિતિ સર્જાઇ છે.અઠવાડિયાના પ્રથમ દિવસે વરસાદ વરસતા  સવારે ઓફિસ અને ધંધાર્થે જતાં લોકો અને વિદ્યાર્થીઓ પણ પરેશાન જોવા મળ્યાં હતા. સવારથી ભારે વરસાદ વરસતાં જનજીવન પ્રભાવિત થયું છે. સુરત વરાછા, કતારગામ વિસ્તારમાં કાળા ડિંબાગ વાદળ સાથે વરસાદ ત્રાટક્યો હતો. ઘનધોર વાદળોના કારણે સવારે મધરાત્રિ જેવો અંધકાર છવાઇ ગયો હતો. નોંધનિય છે કે, ગુજરાતમાં હજુ પણ 23 ઓક્ટોબર સુધી વરસાદનું અનુમાન છે.


અમદાવાદ સુરતની જેમ નવસારી શહેર અને જિલ્લામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. નવસારીના તઘરા, સ્ટેશન રોડ, ડેપો સહિતના વિસ્તારોમાં પવન સાથે વરસાદ વરસતાં અનેક રસ્તા જળમગ્ન બન્યા  છે.  ગણદેવી, બીલીમોરા, ચીખલી, વાંસદામાં પણ સવારથી જ ભારે વરસાદની એન્ટ્રી થતાં જનજીવન પ્રભાવિત થયું છે.  


ગુજરાતમાં વરસાદની આગાહી વચ્ચે અમદાવાદમાં સવારથી ધોધમાર વરસાદ શરૂ થયો છે. વીજળીના કડાકા ભડાકા સાથે અને ભારે પવન સાથે સવારથી વરસાદ તૂટી પડતાં અનેક રસ્તા પાણી પાણી થઇ ગયા છે. અમદાવાદના મોટાભાગના વિસ્તારમાં મેઘરાજા ત્રાટકતા લોકોને અવરજવરમાં મુશ્કેલી પડી રહી  છે. અમદાવાદના સન સીટી વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસતાં  રોડ પર એક વૃક્ષ  ઘરાશાયી થયું છે. જેના કારણે આ રસ્તો બ્લોક થઇ ગયો છે. ભારે  વરસાદના કારણે બોપલ વિસ્તારમાં પણ વૃક્ષો ધરાશાયી થયા છે. અમદાવાદના બોપલ, શેલા, શીલજ, સાણંદ સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતાં જનજીવન પ્રભાવિત થયું છે.સવારે ઓફિસ અને ધંધાર્થે જતાં લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.અમદાવાદમાં મોટાભાગના વિસ્તારને મેઘરાજાએ ઘમરોળ્યું છે. એસજી હાઈવે, વૈષ્ણોદેવી, બોપલ,શેલા,ગોતા, શીલજ, એસપી રિંગરોડ, સહિતના વિસ્તારને મેઘરાજાએ જળમગ્ન કરી દીધા છે.  વરસાદની સાથે ભારે પવન ફુંકાતા ક્યાંક વૃક્ષ, તો ક્યાંક હોર્ડિંગ્સ પણ  ધરાશાયી થયાના અહેવાલ છે. એસપી રિંગ રોડ પર પતરાનો શેડ પણ  ધરાશાયી થયો છે.


ઉલ્લેખનિય છે કે, હવામાન વિભાગની આગાહી મુજબ અરબ સાગરમાં સર્જાયેલી સિસ્ટમના કારણે 23 ઓક્ટોબર સુધી ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે. તો બીજી તરફ બંગાળની ખાડીમાં પણ એક સાયક્લોનિક સિસ્ટમ એક્ટિવ થઇ છે. જેની અસરથી પણ ગુજરાતમાં વરસાદ વરસી શકે છે.