સુરતઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા ગોપાલ ઇટાલિયાના જૂના વીડિયો વાયરલ થતાં ફરી એકવાર રાજકારણ ગરમાયું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાના વાયરલ વીડિયો મુદ્દે ગૃહમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે,  એક પાર્ટીના નેતાના વીડિયો સામે આવી રહ્યા છે. ખૂબ દુઃખ થાય. મંદિર-કથા માટે આ પ્રકારના શબ્દ પ્રયોગ સારા નથી. આવા સંસ્કાર ગુજરાતના નાગરિકોમાં નથી. મંદિરમાં ન જજો, કથામાં ન જતા આ પ્રકારના વીડિયો જોઈ દુઃખ થાય.



તેમણે કહ્યું કે, આ પ્રકારની વિચારધારા ન હોવી જોઈએ. લોકોમાં મોટા પાયે રોષ છે. કોઈની આસ્થાને ઠેસ પહોંચાડવાનો કોઈને અધિકાર નથી. આ પ્રકારના બેફામ લવારા કરવા યોગ્ય છે ? આ વિચારો લોકો સુધી જાય એ પોષાય એમ નથી. એમની જ પાર્ટીના લોકો સોશિયલ મીડિયામાં લખે છે એ પર્સનલ વિચાર છે. એવો સમય આવ્યો છે કે એમની પાર્ટીએ એમના પરથી હાથ ધોઈ લેશે.


Gaurav Yatra : ઉત્તર ગુજરાતથી ભાજપની ગૌરવ યાત્રાનો પ્રારંભ, રૂપાલા-જે.પી. નડ્ડાએ કરાવ્યો પ્રારંભ


Gaurav Yatra : ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને ધ્યાને રાખીને ભાજપ એક્શન મોડમાં આવી ગયું છે. આજથી ભાજપ દ્વારા ગૌરવ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ગૌરવ યાત્રા થકી ભાજપે ગુજરાતમાં વિધિવત રીતે પ્રચારની શરૂઆત કરી દીધી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા બહુચરાજી મંદિર પહોંચ્યા હતા. તેમની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી પુરષોત્તમ રૂપાલ, ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ, નીતિન પટેલ અને રજની પટેલ પણ હાજર છે. 


બહુચરાજી મંદિરે માતાજીના દર્શન કર્યા પછી વિધિવત રીતે ગૌરવ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે, તમામ 182 બેઠકો પર ભાજપની ગૌરવ યાત્રાનું આયોજન કરાયું છે. મતદાતાઓ સાથે નેતાઓના સંપર્કનું આયોજન કરાયું છે. બહુચરાજી અને દ્વારકા એમ બે જગ્યાએથી યાત્રાની શરૂઆત કરવામાં આવી છે. 


યાત્રાઓનો પ્રારંભ અને સમાપન ધાર્મિક સ્થળોએ રાખવાની રણનીતિ છે. બહુચરાજીથી નીકળનાર ગૌરવ યાત્રાના રથમાં નીતિન પટેલ સવાર થયા છે. તેમની સાથે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા અને રજની પટેલ પણ હાજર છે. આ સિવાય નંદાજી ઠાકોર, ઋષિકેશ પટેલ પણ યાત્રામાં જોડાયા છે. દાનવે રાવસાહેબ દાદારાવ પણ રથયાત્રામાં જોડાવાના છે. 


Gujarat Election : ગુજરાતમાં ક્યારે થઈ શકે છે વિધાનસભા ચૂંટણીની જાહેરાત? જાણો મોટા સમાચાર


Gujarat Election : ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. 20મી ઓક્ટોબર પછી ગુજરાતમાં વિધાનસભા ચૂંટણની જાહેરાત થઈ શકે છે. 20 ઓક્ટોબર પછી અઠવાડિયાની અંદર જ ચૂંટણીની જાહેરાત થવાની શક્યતા છે. ડેપ્યુટી ઇલેક્શન કમિશનર 16થી 20મી ઓક્ટોબરથી ગુજરાતની મુલાકાતે છે. 


જિલ્લા સ્તરે ચૂંટણીની તૈયારીને આખરી સમીક્ષાનો આરંભ થયો છે. મુખ્ય ચૂંટણી કમિશ્નર 26મી સપ્ટેમ્બર ગુજરાતની મુલાકાત લઈ ચૂક્યા છે. 2017માં 25મી ઓક્ટોબરે ચૂંટણી જાહેર થઈ હતી. 2017માં 13 અને 17 ડિસેમ્બર એમ બે તબક્કામાં મતદાન થયું હતું.