સુરત શહેરમાં કોરોના બેકાબૂ બન્યો છે. સુરત શહેરમાં કોરોનાના દૈનિક કેસનો આંક 500 નજીક પહોંચી ગયો છે. ત્યારે મહાપાલિકાના કમિશનરે ટેક્સટાઈલ માર્કેટના વેપારીઓ સાથે બેઠક બાદ એક નિર્ણય કર્યો છે. સુરતમાં બહારગામથી આવતા વેપારીઓને ફરજીયાત 7 દિવસ ક્વોરોંટાઈન રહેવાનો મહાપાલિકા કમિશનરે આદેશ કર્યો છે.


મહાપાલિકાના વકરતા સંક્રમણ વચ્ચે લીધેલા આ નિર્ણયથી હવે વિવાદ થાય તો નવાઈ નહીં. સૌથી મહત્વની વાત તો એ છે કે ટેક્સટાઈલ માર્કેટમાં છેલ્લા થોડા દિવસોમાં જ 60થી વધુ કોરોનાના કેસો નોંધાયા છે. જેના કારણે કમિશનરે આવો આકરો નિર્ણય લીધો છે. પરંતું બહારગામથી આવતા વેપારીઓ મુશ્કેલીમાં મુકાશે તેવી ટેક્સટાઈલ માર્કેટના વેપારીઓએ ભીતિ વ્યકત કરી છે. આટલું જ નહીં ટેક્સટાઈલ માર્કેટમાં 45 વર્ષથી વધુ વયના લોકો માટે વેક્સિનેશનની પ્રક્રિયા હાથ ધરાશે.


સુરત મહાનગરપાલિકાએ ટેક્સટાઈલ માર્કેટ માટે એક અલગ જ નોડલ ઓફિસરની નિમણૂંક કરશે. જે કામદારો અને વ્યાપારીઓનું લિસ્ટ તૈયાર કરશે. આ લીસ્ટ આરોગ્ય વિભાગને સોંપવામાં આવશે અને લીસ્ટ પ્રમાણે 1લી એપ્રિલથી વેક્સિનેશનેશન પ્રક્રિયા હાથ ધરાશે. સુરત મહાનગરપાલિકા કમિશનરે 1લી એપ્રિલથી તમામ કામદાર અને વેપારીઓ કે જેની વય 45થી વધુ છે તે તમામને વેક્સિન લીધા બાદ જ કામ પર જવા પણ અપીલ કરી છે. તો વકરતા કોરોના સંક્રમણ વચ્ચે લોકોને પણ મહાપાલિકાએ અપીલ કરી કે જેનો કોરોના રિપોર્ટ નેગેટિવ હોય તેવા જ દુકાનદાર, લારી અને ગલ્લાધારકો પાસેથી શાકભાજી, ફ્રુટ, દૂધ સહિતની ચીજવસ્તુઓ ખરીદવા અપીલ કરી છે.


આ તરફ શાકભાજી, ફ્રુટવાળા, દૂધના વેપારીઓના કોરોના ટેસ્ટ માટે મહાપાલિકાએ ઝુંબેશ શરૂ કરી છે ત્યારે ધંધાર્થીઓને કોરોના રિપોર્ટ કરાવવા અપીલ કરી છે.