સુરત: સુરતના પુણા વિસ્તારમાં આવેલા એક જવેલર્સની દુકાનમાં ફાયરિંગ કરી લૂંટની ઘટના બનતા ચકચાર મચી ગઈ છે. બાઈક પર આવેલા બે શખ્સોએ ગણતરીની મિનિટોમાં બંદુકની અણી પર લખો રૂપિયાના દાગીનાની લૂંટી ફરાર થઇ ગયા હતા. જોકે ગીચ વસ્તીવાળા આ વિસ્તરમાં ધોળા દિવસે લૂંટની ઘટના બનતા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો.


પુણાના ભૈયા નગર ખાતે આવેલા ભાગ્ય લક્ષ્મી જવેલર્સમાં લૂંટની ઘટના બની છે. અહીંબાઇક પર આવેલા બે શખ્સો દુકાનમાં પ્રવેશ કરીને બંદૂકની અણીએ દુકાનમાં રહેલા લખો રૂપિયાના સોનાના દાગીના લૂંટ કરી ફરાર થઇ ગયા હતા. આ ઈસમો દ્વારા એક રાઉન્ડ ફાયરિગ પણ કરવામાં આવતા સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી ગયો છે.

સુરત જોઈન્ટ પોલીસ કમિશનર પ્રવીણ મલના જણાવ્યાં પ્રમાણે, આજે સવારે ભાગ્યલક્ષ્મી જ્વેલર્સમાં લૂંટનો બનાવ બન્યો છે. પ્રાથમિક માહિતી પ્રમાણે, હથિયાર લઇને બે લોકો દુકાનમાં આવે છે અને ત્રીજો માણસ પણ બહાર હતો. દુકાનમાં પ્રવેશીને હથિયાર બતાવી લેપટોપની બેગમાં ઘરેણાં હતા એવું સમજીને એ લઇને ભાગી ગયા છે. દુકાનમાં એક વ્યક્તિ હાજર હતો તેના પગમાં ફાયરિંગ કરીને આ ત્રણ લોકો ભાગી ગયા છે. હાલ તેની તબિયત સારી છે. પોલીસ તપાસ શરૂ કરી દેવામાં આવી છે. શહેરની અને ક્રાઇમ બ્રાંચની ટીમો હાલ તપાસ કરી રહી છે.

આ લૂંટની સમગ્ર ઘટના દુકાનના સીસીટીવીમાં કેદ થઇ ગઇ છે. જે બાદ પોલીસે આ મામલે સીસીટીવી કબ્જે કરી લુંટારુઓને પકડવા માટે અલગ અલગ ટીમ બનાવી તપાસ શરૂ કરવામાં આવી છે.