SURAT :  સુરતમાં એક ગામમાં નવો રોડ બન્યો કે તરત જ આમ આદમી પાર્ટીના નેતાઓ આ કામનો જશ ખાટવા અને પ્રસિદ્ધિ મેળવવા દોડી આવ્યાં અને ફોટો સેશન કરવા લાગ્યા, જો કે સ્થાનિકોએ વિરોધ કરી તેમને ભગાડી મુક્યા હતા. 


આ ઘટના સુરતના ઉમરા વેલાંજા ગામે બની, જેમાં  આમ આદમી પાર્ટીના નેતાઓનો વિરોધ કરવામાં આવ્યો. સ્થાનિકોએ આ ગામમાં રોડ માટે અનેક રજૂઆતો કરી હતી. આમ સ્થાનિકોએ રોડ મંજુર કરાવ્યો હતો અને નવો રોડ બન્યો હતો. પરંતુ આ નવા રોડના કામનો જશ લેવા અને પ્રસિદ્ધિ લેવા માટે આમ આદમી પાર્ટીના નેતાઓ દોડી આવ્યા અને ફોટો સેશન કરવા લાગ્યા. 


જો કે સ્થાનિકોએ આક્રોશ સાથે આમ આદમી પાર્ટીના નેતાઓનો વિરોધ કર્યો હતો અને તેમને ભગાડ્યા હતા. સ્થાનિકોએ આક્ષેપ લગાવ્યો હતો કે આમ આદમી પાર્ટીના નેતાઓને ફોટો સેશનમાં જ રસ છે, કામ કરવામાં રસ નથી. 


એક બાજુ સ્થાનિકોએ રોડ મંજુર કરાવ્યા બાદ આ રોડ બન્યો હોવાનું કહ્યું, તો બીજી બાજુ આમ આદમી પાર્ટીના નેતાઓએ દાવો કર્યો કે તેમના દ્વારા આ રોડ બનાવવામાં આવ્યો છે. જેની સામે મોટી સંખ્યામાં સ્થાનિકોએ ભેગા થઇ સૂત્રોચ્ચાર કર્યા હતા અને વિરોધ કર્યો હતો. સ્થાનિકોએ આ નવા રોડના કામના આનંદમાં પેંડા વહેંચ્યા અને સાથે આ નવા રોડનું નામ ગોલ્ડનરોડ રાખ્યું. 


આસામમાં જીગ્નેશ મેવાણીની બીજા કેસમાં ધરપકડ
આસામ પોલીસે ફરી એકવાર ગુજરાતના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની ધરપકડ કરી છે. આસામની બારપેટા પોલીસે ગુજરાતના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને તેમના ટ્વિટ સંબંધિત કેસમાં જામીન મળ્યા બાદ જ અન્ય કેસમાં ફરીથી ધરપકડ કરી છે. જીગ્નેશ મેવાણીના વકીલ અંગશુમન બોરાએ મીડિયાને આ માહિતી આપી છે. ધારાસભ્ય જીગ્નેશની ગયા અઠવાડિયે ધરપકડ કરવામાં આવી હતી. સોમવારે જામીન મળ્યા બાદ તરત જ તેની અન્ય એક કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. તેની ફરીવાર ધરપકડ બાદ મેવાણીને કોકરાઝાર જિલ્લામાંથી બારપેટા લઈ જવામાં આવી રહ્યા છે.