સુરતઃ કતારગામ વિસ્તારમાં ગુમ થયેલા હીરાદલાલની હત્યા કરવામાં આવી હોવાનો ધડાકો થયો છે. આ દલાલ પાસે એક હીરાના કારખાનેદારનો અન્ય સ્ત્રી સાથે શારીરિક સુખ માણતા હોય તેવો વીડિયો હતો. આ વીડિયો બતાવીને હીરા દલાલ કારખાનેદારને બ્લેકમેઈલ કરતો હતો તેથી કારખાનેદારે તેની હત્યા કરી નાંખી હતી. આ હત્યાના સાક્ષી યુવાને કતારગામ પોલીસ મથકમાં હાજર થઈને ગુનો કબૂલી લીધો હતો. પોલીસે દલાલની લાશ ગોટાલાવાડીના એક એપાર્ટમેન્ટના ત્રીજા માળેથી કબજે કરી હતી.


પોલીસે આપેલી માહિતી પ્રમાણે કતારગામ વિસ્તારમાં અંબિકા પાર્ક સોસાયટીમાં રહેતા અને મહીધરપુરા હીરા બજારમાં હીરા દલાલીનું કામ કરતા કાંતિભાઈ ગોરધનભાઈ રાખોલીયા ( ઉ.વ.42 ) મંગળવારે બપોર બાદ ગુમ થતાં પરિવારે કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ તેમને શોધતી હતી ત્યારે મોડી રાત્રે આશિષ દેવરાજભાઇ ધામેલીયા ( રહે. ફલેટ નં.કે-304, આસ્થા રેસીડન્સી, કોસાડ રોડ, અમરોલી, સુરત ) નામના યુવાને પોલીસ સ્ટેશને હાજર થઈને ગુમ હીરાદલાલ કાંતિભાઈની હત્યા તેના મિત્ર અને હીરા કારખાનેદાર સંદીપભાઇ વસરામભાઇ પટેલ ( રહે. ફલેટ નં. ઇ-901, લક્ષ્મી રેસીડન્સી, ગજેરા સ્કુલ પાસે, કતારગામ, સુરત )એ કરી હોલાનો ધડાકો કર્યો હતો. તેણે લાશ કતારગામ ગોટાલાવાડી બારડોલીયા પ્લોટમાં આવેલા સી/૪ રધુનંદન એપાર્ટમેન્ટના ત્રીજા માળે સંતાડી હોવાનું પણ જણાવ્યું હતું.

તેણે આપેલી વિગતો પ્રમાણે સંદીપને એક સ્ત્રી સાથે શારીરિક સંબંધો હતા ને તેનો વીડિયો કાંતિભાઈ પાસે હતો તેથી તેને બ્લેકમેઈલ કરતો હતો. બંને વચ્ચે રૂપિયા 5 લાખના હીરાની લેતીદેતી માટે ઝઘડો ચાલતો હતો. સંદીપે કાંતિભાઈને પૈસા લેવાના બહાને બોલાવી ગડદાપાટુનો માર મારીને પછી ગળે ટૂંપો આપી હત્યા કરી હતી. પછી તેણે આશિષને બોલાવી પોલીસને ગેરમાર્ગે દોરવા તેને કાંતિભાઈના કપડાં પહેરાવી તેમની જ બાઈક પર તેમના મોબાઈલ ફોન સાથે કામરેજ મોકલીલ્યો હતો. ત્યાંથી કાંતિભાઈના ઘરે તેમના મોબાઈલ ફોનથી ફોન કરવા પણ કહ્યું હતું.