Bharuch Rain: ભરૂચના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. પૂરના પાણી ઘરમાં ઘૂસતા લોકો રસ્તા પર ઉતર્યા છે. ઉપરવાસમાં થઈ રહેલા ભારે વરસાદના કારણે સરદાર સરોવર ડેમમાંથી સતત પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે ભરૂચ ખાતે પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે.


ભરૂચના ગોલ્ડનબ્રીજ ખાતે આજે નર્મદા નદીની જળ સપાટી 35 ફૂટને અડી ગઈ હતી, ગોલ્ડનબ્રીજ પર નર્મદા નદીની ભયજનક સપાટી 24 ફૂટ છે, જેનાથી 10 ફૂટ ઉપર નીર વહી રહ્યા છે અને હજુ પણ વધુ પાણી આવવાની શક્યતાઓ છે. નર્મદાના પાણીએ ભરૂચમાં તબાહી મચાવી દીધી છે.


શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. પૂરના પાણી ઘરમાં ઘૂસ્યા હતા. ભરૂચના દાંડીયા બજાર વિસ્તાર કે જ્યા લોકોની સતત અવન-જવન શરૂ રહેતી હતી, ત્યા અત્યારે સુનકાર જોવા મળી રહી છે. આખા દાંડિયા બજાર વિસ્તારમાં કેડસમા પાણી ભરાય ગયા છે. લોકો પોતાના ઘરમાં પૂરાઈ રહેવા મજબૂર બન્યા છે. અનેક વિસ્તારમાં અનેક દુકાનોમાં પાણી ભરાઈ ગયા હોવાનું જોવા મળ્યું હતું. તેમજ વેપારીઓને નુકસાન થયું છે.


ફુરજા વિસ્તારની અંદર પણ દુકાનોમાં પાણી ભરાતા વેપારીઓએ હાલાકી વેઠવી પડી હતી, તો ભરૂચના સ્મશાન રોડ ઉપર પણ પાણી ભરાવાથી લોકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો.




હાલમાં પ્રશાસન દાવો કરી રહ્યું છે કે, તે તમામ પરિસ્થિતિ સામે પહોંચી વળવા સક્ષમ છે, પરંતુ હાલની સ્થિતિ જોતા તંત્રએ હજુ વધુ કમર કસવી પડશે તેમ લાગી રહ્યું છે. કેટલાક વિસ્તારમાં 12 ફૂટ જેટલુ પાણી ભરાય ગયું હતું. ઝુલેલાલ મંદિર અને તેની આસપાસના વિસ્તારમાં બસ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. લોકોના ઘરમાં પાણી ભરાય ગયા છે, લોકોની ઘરવખરી પણ પલળી ગઈ છે. લોકોને હાલ પારાવાર મુશ્કેલીઓ પડી રહી છે.


પ્રશાસન હાલમાં એલર્ટ મોડ પર આવી ગયું છે. હાલ સુધીમાં ભરૂચ જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી 2000 જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસવડા, જિલ્લા વિકાસ અધિકારી, મામલતદાર, પ્રાંત અધિકારી સહિતના અધિકારીઓએ વિવિધ વિસ્તારોની મુલાકાત લીધી હતી અને નીચાણવાળા વિસ્તારના લોકોને સમજાવટ બાદ તેઓને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.




ભરૂચ જિલ્લામાં હાલ 12 થી વધુ આશ્રય સ્થાનો બનાવવામાં આવ્યા છે જ્યાં ખાવા પીવા અને આરોગ્યની ટીમોને પણ તૈનાત કરવામાં આવી છે. ભરૂચ જિલ્લામાં હાલમાં એક એસડીઆરએફ અને એક એનડીઆરએફની ટીમને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.


વર્ષ 1848 થી ભરૂચ નર્મદા નદીમાં પુરનું સાક્ષી છે જ્યારે નર્મદા ડેમ કે સરદાર સરોવર નર્મદા ડેમની પરિકલ્પના પણ ન હતી. વર્ષ 1887 થી 1936 સુધી 50 વર્ષમાં ભરૂચમાં નર્મદા નદીમાં 15 લાખ ક્યુસેકના પુર આવી ચુક્યા છે. જોકે, ત્યારે અંગ્રેજોનું શાસન હતું.


નર્મદા ડેમાંથી છોડવામાં આવેલા પાણીના કારણે અંકલેશ્વર તાલુકાનાં અનેક ગામો પાણીમાં ડુબાણમાં ગયાં છે. આજે સવારે નર્મદા નદી 40 ફૂટથી વધારે સપાટીએ વહી રહી છે. ત્યારે અંકલેશ્વર-હાંસોટ, દીવા રોડ પર આવેલી અનેક સોસાયટીમાં પહેલા માળ સુધી નર્મદા નદીના પાણી ફરી વળ્યાં છે. જેના કારણે લોકોના જનજીવનને ભારે અસર પહોંચી છે.


કલેશ્વરના છાપરા, બોરભાઠા બેટ, કાશિયા, સરફુદીન, ખાલપિયા ગામમાં પાણી ફરી વળ્યાં છે. જ્યારે અંકલેશ્વર-હાંસોટ માર્ગ પર આવેલી અનેક સોસાયટીઓમાં પણ પહેલા માળ સુધી નર્મદા નદીનાં પાણી પહોંચ્યાં છે. જેના કારણે હજારો લોકોના જનજીવન પર અસર પહોંચી છે. જેથી મકાનોમાં ફસાયેલા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. જોકે તંત્ર પણ દિવસ-રાત ખડે પગે રહીને લોકોનું રેસ્ક્યુ કરીને સલામત સ્થળે ખસેડી રહ્યું છે.