નવસારીઃ નવસારી સિવિલ હોસ્પિટલમાં બજાવતી નર્સ મેઘા આચાર્ય (ઉં.વ. 27)ના આપઘાતના કેસમાં તેણે લખેલી સુસાઈડ નોટ બહાર આવતાં ખળભળાટ મચ્યો છે. મેટ્રન તારા ગામીત અને વનિતા પટેલ દ્વારા મેઘાને મોટી ઉંમરના સિવિલ સર્જન ડો. અવિનાશ દુબે સાથે શરીર સંબંધ બાંધવા દબાણ કરતી હતી. મેઘાએ 21 ઓકટોબરની મધરાત્રે પોતાના બેડરૂમમાં આપઘાત કરી લીધો હતો. એ પહેલાં તેણે છ પાનાંની સુસાઈડ નોટ પણ લખી હતી, જેમાં તેણે પોતે કેમ આપઘાત કર રહી છે એ લખ્યું છે.

મેઘાએ લખ્યું છે કે, તારા ગામીત મેટ્રન દ્વારા મને ઉંમરવાળા સર્જન ડો. અવિનાશ દુબે સાથે ફિઝિકલ રિલેશન માટે મજબૂર કરતાં હતાં. મેં મોઢા પર ના પાડી ત્યારે મને કહ્યું, હવે અમે તારા ગામીત અને વનિતા પટેલ તને કેવી રીતે હેરાન કરીએ છીએ એ જો.

મેઘાએ લખ્યું છે કે, બંને મેટ્રન મહિલા હોવા છતાં એક છોકરીની ઈજ્જત વેચવા જરા પણ ખચકાતી નથી. આજે મેઘા...તો કાલે બીજી કોઈ છોકરી. નર્સિંગ પ્રોફેસન તો જીવ બચાવવા માટે છે, આજે કોઈનો જીવ જાણીજોઈને લેવાઈ ચૂક્યો છે. બંનેને વંચાવજો, જેથી જેમના હૃદય નથી તેમનામાં કદાચ કંઈ ફેર પડે.

મેઘાએ સુસાઈડ નોટમાં લખ્યું છે કે, રિસ્પેકટેડ મેટ્રન તારા ગામીત અને વનિતા પટેલ. કર્મ કોઈને નથી છોડતું. એ હવે ધ્યાનમાં રાખીને ચાલજો. તેમ છતાં મેં હિંમત રાખી ડ્યૂટી કરતી રહી અને અમુક લોકોનો સાથ લેવાની પણ ટ્રાય કરી, પરંતુ જેમણે મારો સાથ આપવાનો પ્રયત્ન કર્યો તેમને પણ આ લોકોએ હેરાન કર્યા. અંતે, હું એકલી પડી ગઈ. આજે મારે આ નિર્ણય લેવો પડ્યો, કારણ કે હું મારી ઈજ્જત જવા દેવા કરતાં સન્માનપૂર્વક આત્મહત્યા કરવાનું પસંદ કરીશ. મારી અંતિમક્રિયામાં (પતિ ) અંકિત કે એના પરિવારના કોઈપણ સદસ્યને આવવા ન દેતા.