Lok sabha Election 2024: ગુજરાતમાં સુરતની લોકસભા બેઠક પર હાઇ વૉલ્ટેજ ડ્રામા શરૂ થયો છે, ગઇકાલથી શરૂ થયેલો ઉમેદવારી ફોર્મમાં ટેકેદારોની ખોટી સહીનો મામલો હવે વધુ ઉગ્ર બન્યો છે. ખરેખરમાં, કૉંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ માન્ય રહેશે કે નહીં તેનો આજે ફેંસલો થશે, છેલ્લી ઘડીએ કુંભાણીના ડમી ઉમેદવાર સહિત ટેકેદારો ગાયબ થયા છે. ફોર્મમાં સહી કરી જ ન હોવાનું ત્રણેય ટેકેદારો રમેશ પોલરા, જગદીશ સાવલીયા, ધ્રુવિન ધામેલીયા નિવેદન રજૂ કર્યું હતું. હવે આ મામલે વધુ એક વિવાદ ઉઠ્યો છે. પોલીસે આ સમગ્ર મામલે મીડિયાકર્મીઓ પર અત્યાચાર કરવાનું શરૂ કર્યુ છે. સુરતમાં કુંભાણી કેસમાં યોગ્ય રીતે કવરેજ કરી રહેલા પત્રકારો સાથે પોલીસ ઓરમાયુ વર્તન કરવા લાગી છે, સ્થળ પર કવરેજ માટે પત્રકારો-મીડિયાકર્મી સાથે પોલીસે આજે ધક્કામુક્કી કરી હતી, સમગ્ર મામલે પોલીસે મીડિયાકર્મીઓને કવરેજથી દુર રાખવા પ્રયાસ કર્યો હતો. 


સુરતમાં મીડિયાકર્મીઓ સાથે ધક્કામુક્કીની ઘટનાથી અનેક સવાલો ઉઠ્યા છે. આ ઘટના સુરતની કલેક્ટર કચેરીમાં ઘટી હતી. આજે સવારે સુરત કલેક્ટર કચેરીમાં ડ્યારે મીડિયાકર્મીઓ કુંભાણી કેસને લઇને કવરેજ માટે પહોંચ્યા હતા, તે સમયે ત્યાં હાજર પોલીસકર્મીઓએ મીડિયાકર્મીઓને હટાવવા અને કવરેજથી દુર રાખવા પ્રયાસ કર્યો હતો, સુરત પોલીસે મીડિયાકર્મીઓ સાથે ધક્કામુક્કી કરીને ગેરવર્તણુક કરી હતી. આ ધક્કામુક્કી બાબતે સુરત પોલીસ કમિશનર પણ કંઇ જવાબ આપવા તૈયાર નથી. મીડિયાકર્મીઓનું કહેવું છે કે, કેસને લઇને સ્થળ પર બંદોબસ્ત જરૂરી છે પરંતુ મીડિયાકર્મીઓ સાથે ધક્કામુક્કી કરવી અયોગ્ય છે. 




અનેક સવાલો ઉઠ્યા છે કે, યોગ્ય રીતે કવરેજ કરતા મીડિયાકર્મીઓ સાથે ધક્કામુક્કી કેમ કરાઇ રહી છે. પારદર્શિતા સાથે મીડિયા કવરેજ કેમ નહીં તેનો જવાબ જરૂરી છે. કોઈપણ પ્રકારની ભીડભાડ ના હોવા છતા કેમ મીડિયાકર્મી સાથે ગેરવર્તન કરાયુ. ધક્કા મારીને મીડિયાકર્મીઓને બહાર કાઢવા તે કેટલુ યોગ્ય છે. આ સમગ્ર ઘટના અંગે સુરત પોલીસ અને કમિશનર પાસે જવાબ નથી.


Lok sabha Election 2024: ફોર્મ ભરાયા બાદ સુરતમાં હાઈવોલ્ટેજ ડ્રામા, કુંભાણીનું ફોર્મ માન્ય રહેશે કે નહીં, આજે ફેંસલો


કૉંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ માન્ય રહેશે કે નહીં તેનો આજે ફેંસલો થશે, ઉલ્લેનિય છે કે, છેલ્લી ઘડીએ કુંભાણીના ડમી ઉમેદવાર સહિત ટેકેદારો ગાયબ થયા છે. ફોર્મમાં સહી કરી જ ન હોવાનું ત્રણેય ટેકેદારો   રમેશ પોલરા, જગદીશ સાવલીયા, ધ્રુવિન ધામેલીયા નિવેદન રજૂ કર્યું હતું.ચૂટણી અધિકારી સમક્ષ નિવેદન નોંધાવી ત્રણેય ગાયબ થઇ ગયા હતા. સવારે 11 વાગ્યે કુંભાણી ઉમેદવાર રહેશે કે ઘરે જશે તેનો  નિર્ણય થશે. સુરત કલેક્ટર કચેરી પર પોલીસે  ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે.કલેક્ટર કચેરીના મુખ્ય ગેટ પર પણ બેરીકેટ લગાવાયા છે.


કૉંગ્રેસની લીગલ ટીમ હાલ સુરતમાં છે. ચાર પૈકી ત્રણ શખ્સો નિલેશ કુંભાણીના સગા અને નજીકના વ્યક્તિ છે. જગદીશ સાવલિયા નિલેશ કુંભાણીના બનેવી છે. ધ્રુવિન ધામેલિયા નિલેશ કુંભાણીનો ભાણેજ છે, તો રમેશ પોલરા નિલેશ કુંભાણીના ધંધાકીય ભાગીદાર છે.


શું છે સમગ્ર મામલો -
સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીની ઉમેદવારી વિવાદમાં મુકાઈ છે. નિલેશ કુંભાણીના ફોર્મ સામે ભાજપ તરફથી વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. નિલેશ કુંભારણીના ટેકેદારોએ એફિડેવિટ કરીને કહ્યું હતું કે, આ સહી અમારી  નથી. આથી નિલેશ કુંભાણીની ઉમેદવારી જોખમમાં મૂકાઇ છે અને તેમના ફોર્મ પર પ્રશ્નાર્થ ઉભો થયો છે.આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે  નિલેશ કુંભારણીએ પોતાના ટેકેદારોનું અપહરણ થયું હોવાની આશંકા પણ  વ્યકત કરી હતી. જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટરે નિલેશ કુંભાણીને આજે રવિવાર સુધીનો સમય અપાયો હતો.  આજે આ સમગ્ર મામલે સુનાવણી થશે.