Elections 2024: સુરત લોકસભા બેઠકને લઈને જબરજસ્ત મોટા સમાચાર આવી રહ્યા છે. સુરત લોકસભા બેઠકથી કોંગ્રેસના ઉમેદવારનું તેમજ કોંગ્રેસના ડમી ઉમેદવારનું ફોર્મ રદ્દ થવાના સંકેત મળી રહ્યા છે. કોંગ્રેસના સત્તાવાર ઉમેદવાર નિલેશ કુંભાણી તરફથી રજૂ કરાયેલા ત્રણ ટેકેદારો તેમજ ડમી એવા સુરેશભાઈ પડસારાના ટેકેદારના એફિડેવિટમાં કરાયેલી સહી પર સવાલ ઉભા કરાયા છે.


 



ભારતીય જનતા પાર્ટીના મુકેશ દલાલના ચૂંટણી એજન્ટ એવા દિનેશ જોધાણીએ ફોર્મ ચકાસણી દરમિયાન આ વાંધો ઉઠાવતા રિટર્નિંગ ઑફિસરે આ મુદ્દે સ્પષ્ટતા કરવા ચાર વાગ્યા સુધીનો સમય આપ્યો છે. કેમ કે મુખ્ય ઉમેદવાર તેમજ ડમી ઉમેદવારનું ફોર્મ રદ્દ થાય તો તે સંજોગોમાં આ પહેલી બેઠક હશે જ્યાં કોંગ્રેસ અથવા ઈન્ડિયા ગઠબંધનના કોઈ ઉમેદવાર આ બેઠક પર નહીં હોય. સુરત બેઠક પરથી ભાજપ-કોંગ્રેસના મુખ્ય અને ડમી સહિત 15 ઉમેદવારોએ ઉમેદવારી કરી છે. ચાર વાગ્યે કલેક્ટર ઑફિસમાં નિલેશ કુંભાણીના ફોર્મ મુદ્દે સ્પષ્ટતા થશે. કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ સુરતમાં ઉપસ્થિત છે.  તો કોંગ્રેસના નેતા અને હાઈકોર્ટના સિનિયર એડવોકેટ બાબુ માંગુકીયા કલેક્ટર ઑફિસ પહોંચી ચૂક્યા છે.


સુરત બેઠક પર કોંગ્રેસ ઉમેદવારી ગૂમાવે તેવી શક્યતા છે. કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ્દ થવાની આશંકા છે. નિલેશ કુંભાણીના ટેકેદારોની એફિડેવિટને લઈને સવાલ ઉઠ્યા છે. ડમી ઉમેદવારના ટેકેદારના એફિડેવિટ પર પણ સવાલ ઉભા થયા છે. ભાજપ ઉમેદવારના ચૂંટણી એજન્ટે સવાલ ઉઠાવ્યા છે. ચાર વાગ્યા સુધીનો કલેક્ટરે કોંગ્રેસને સમય આપ્યો છે. એફિડેવિટમાં ટેકેદારોની સહી ખોટી હોવાનો ભાજપે વાંધો ઉઠાવ્યો છે. હાલમાં કલેક્ટર ઑફિસ પહોંચ્યા છે નિલેશ કુંભાણી અને ટેકેદારો. ફોર્મ રદ્દ થવાની સંભાવનાથી કોંગ્રેસની હાઈકોર્ટમાં જવાની તૈયારી છે. સુરત કલેક્ટર ઑફિસ બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. અસલમ સાયકલવાલા કલેક્ટર ઑફિસ પહોંચી ચૂક્યા છે. દરખાસ્ત કરનાર ત્રણ ટેકેદારોએ સહી ન કર્યાનો આરોપ છે. જે ત્રણ ટેકેદારો છે તેમાં રમેશભાઈ, જગદીશભાઈ અને ધીરુભાઈની સહીને લઈને વાંધો ઉઠાવવામાં આવ્યો છે.


ટેકેદારોનું અપહરણ થયાની કોંગ્રેસની રજૂઆત


તો બીજી તરફ રમેશ, જગદીશ, ધીરુ ધામેલિયાનું અપહરણ થયું હોવાનો કોગ્રેસ આરોપ લગાવ્યો છે. તો બીજી તરફ એવી પણ માહિતી સામે આવી છે કે, કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીની ઉમેદવારી સમયે એકપણ ટેકેદાર હાજર નહોતો. જેથી સમગ્ર ઘટનાક્રમ પ્રી-પ્લાન હોવાની આશંકા સેવાઈ રહી છે.