નવસારીઃ ગુજરાતમાં હાલ કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. બીજી તરફ મોટી સંખ્યામાં લોકો સ્વસ્થ પણ થઈ રહ્યા છે. ત્યારે દક્ષિણ ગુજરાતના લોકો માટે રાહતના સમાચાર આવ્યા છે. દક્ષિણ ગુજરાતમાં વધુ એક જિલ્લો કોરોનામુક્ત બન્યો છે. નવસારીમાં છેલ્લા દર્દીએ કોરોનાને મ્હાત આપતાં જિલ્લો કોરોનામુક્ત થયો છે. આમ, દક્ષિણ ગુજરાતમાં કુલ ત્રણ જિલ્લા કોરોનામુક્ત બન્યા છે.


મળતી વિગતો અનુસાર નવસારીમાં કોરોનાના છેલ્લા દર્દીનો ત્રીજો રિપોર્ટ નેગેટિવ આવતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. નવસારી જિલ્લામાં હવે એક પણ એક્ટિવ કેસ નથી. નવસારી જિલ્લામાં કુલ 8 પોઝિટિવ કેસ હતા, જે તમામ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. નવસારી જિલ્લો ગ્રીન ઝોન બનવા તરફ આગળ વધી રહો છે. આ સિવાય દક્ષિણ ગુજરાતમાં તાપી અને ડાંગ પણ કોરોનામુક્ત બન્યા છે.

દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરતમાં સૌથી વધુ એક્ટિવ કેસો 334 છે. આ સિવાય વલસાડમાં એક, નર્મદામાં એક અને ભરુચમાં 5 એક્ટિવ કેસ છે. તેમજ હવે નવસારી, ડાંગ અને તાપી ત્રણ જિલ્લા કોરોનામુક્ત બન્યા છે. જ્યારે વલસાડ, નર્મદા અને ભરુચ ગમે ત્યારે કોરોનામુક્ત થઈ શકે છે.